રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેવાશે. આ વાતની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યુ રાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાત્રિ કર્ફ્યૂની મુદત ગઈકાલે જ પૂરી થઈ ગઈ હતી. એવામાં નાયબ મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરો સાથે ચર્ચા કરી અને સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવા સૂચના આપી છે.
DYCM નીતિનભાઈ પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને કમિશનરને યોગ્ય નિર્ણય લેવા અને જરૂરી પગલાં ભરવા માટે પણ છૂટ અપાઇ છે. સોમવારે રાત્રે 10 વાગ્યે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે. સુપ્રિટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કેસો નોંધાયા છે. જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જે માસ્ક નથી પહેરતાં અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા લોકો માટે ચેતવાની જરૂર છે. લોકોએ લગ્ન મેળાવડા અને ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમરજન્સીના તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે વધુ બેડ શરૂ કરવામાં આવશે.