અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે પોલીસ ખાતામાં પણ કેટલાક પોલીસ કર્મચારી અધિકારીઓ સંક્રમિત થયા છે, ગુજરાતની પરિસ્થિતિ જોતાં રાજ્યના પોલીસ વડાએ પોલીસની રજાઓ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વડાએ આજથી રજા પર ગયેલા કર્મચારીઓની રજા ટૂંકાવવા તેમજ અનિવાર્ય સંજોગો સિવાય રજા નહીં આપવા આદેશ કર્યો છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મંગળવારના છેલ્લા 24 કલાકની સ્થિતિએ કોરોનાના વધુ 3,280 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત પ્રથમવાર એક્ટિવ કેસનો આંક 17 હજારને પાર થયો છે. હાલમાં 17,348 એક્ટિવ કેસ છે જ્યારે 171 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, સુરતમાંથી 7-7, રાજકોટમાંથી 2, વડોદરામાંથી 1 એમ કુલ 17ના કોરોનાથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં 23 નવેમ્બર બાદ કોરોનાથી નોંધાયેલો આ સૌથી વધુ મરણાંક છે.રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 3,24,878 જ્યારે કુલ મરણાંક 4,598 છે. આ પૈકી એપ્રિલના 6 દિવસમાં 17,180 કેસ નોંધાયા છે અને 79ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ બેથી વધુ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે.
