Gujarat: દાદરા નગર હવેલી લોકસભા સીટના વર્તમાન મહિલા સાંસદ કલાબેન ડેલકરને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ દાનહમાં કલાબેનને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
લોકસભા ચૂંટણીમાં અબ કી બાર, 400 કે પારનું સૂત્ર આપનાર દાનહ ભાજપના પદાધિકારીઓ ઉમેદવારની જાહેરાત પહેલાં જેમના પર ભૂમાફિયા સાથે સાંઠગાંઠ, આદિવાસીઓના શોષણ કરવાના આક્ષેપો મૂકતા હતા તે તમામ ભાજપના નેતાઓએ હવે કલાબેન ડેલકર માટે દાનહમાં ભાજપ કાર્યલાય અટલ ભવનમાં કલાબેન અને તેમના પુત્ર અભિનવ ડેલકર માટે હારતોરા સાથે રેડ કાર્પેટ પાથરી રહ્યા છે. આને ભાજપ દ્વારા શિસ્તબદ્વતા કહેવામાં આવે છે.
દાદરા નગર હવેલીમાં ભાજપ દ્વારા વર્ષો સુધી સ્વર્ગીય મોહન ડેલકરનો વિરોધ કરવામાં આવતો હતો. ભાજપના દરેક પ્રકારના વિરોધનો સામનો કરનાર ડેલકર ફેમિલી માટે હવે કામ કરવાનો વારો આવ્યો છે. ભાજપના સન્નિષ્ઠ કાર્યકરો હવે ક્યાં જશે અને શું કામ કરશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
બીજી તરફ સ્વ.મોહન ડેલકરની આત્મહત્યા માટે ભાજપ પર આક્ષેપોને વરસાદ કરવામાં આવ્યો હતો અને પેટાચૂંટણીમાં કલાબેનને ભાજપ વિરુદ્વના વોટ મળ્યા હતા અને તેના કારણે તેઓ વિજેતા બન્યા હતા, ખુદ કલાબેને પણ ભાજપ વિરુદ્વનો વોટ માંગ્યો હતો. હવે તેઓ લોકો સમક્ષ જઈને કેવી રીતે ભાજપ માટે વોટ માંગશે તે મહત્વનો પ્રશ્ન છે અને શું તેમના સમર્થકો ભાજપના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરને સ્વીકારશે ખરા? જ્યારે ભાજપનાં કાર્યકરો પણ કલાબેનને દિલથી સ્વીકારશે ખરા? આ પ્રશ્ન મહત્વનો બન્યો છે.
ગઈકાલ સુધી ભાજપના જેટલા પણ કાર્યકરો ડેલકર ફેમિલીનો સરાજાહેર વિરોધ કરતા હતા તેમની મનોદશા સમજી શકાય એમ છે. ભાજપ મોવડી મંડળની રાજકીય શું મજબૂરી હશે કે પછી સીટ જીતવાના સમીકરણોના કારણે કલાબેનને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા.ભાજપ પાસે જીતી શકે એવા અનેક નામો હતા પણ તેના બદલે ભાજપને કલાબેન પર પસંદગી ઉતારી છે. જે નેતાઓ પાછલા લાંબા સમયથી ટિકિટ માટે લાઈનમાં હતા તેમના પર તો પહાડ તૂટી પડ્યો છે.
અત્રે નોંધનીય છે કે કલાબેન ડેલકરને નટુ પટેલ, સન્ની ભીમરા જેવા નેતાઓ અને કાર્યકરો શું સ્વીકારશે? હવે ચૂંટણી જાહેર થયા બાદ પ્રચાર શરુ કરવામાં આવી રહ્યો છે ત્યારે દાદરા નગર હવેલીની સીટ પર ભાજપ વધુ ફોક્સ કરીને કલાબેન ડેલકરને જીતાડવા શું રણનીતિ બનાવે છે તે જોવાનું રહે છે.