Gujarat: સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ફરજિયાત સ્માર્ટ મીટર ઠોકી બેસાડવાની સરકાર-વીજતંત્રની કામગીરી સામે ઉગ્ર આક્રોશનું વાતાવરણ ફેલાયું છે. દિવસે-દિવસે આ આક્રોશ વધુને વધુ ઉગ્ર અને વ્યાપક બની રહ્યો હોય, ગુજરાત જેવા શાંત રાજ્યમાં અકારણ અશાંતિ સાથે પ્રજાજનો, ખાસ કરીને ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, મજૂરો, નોકરિયાત વર્ગમાં ભારે ચિંતા પ્રવર્તે છે. આવા માહોલમાં સ્માર્ટ મીટર ધરાર લગાવાના પ્રયાસો સામે અનેક સ્થળે લતાવાસીઓ, સોસાયટીવાળાઓના ટોળા એકત્ર થઈ રહ્યા છે. મીટર ફીટ કરવા આવનારાને તગડી મૂકવાના, બબાલ થવાના કિસ્સાઓ બનવા લાગ્યા છે, આ વધુ ગંભીર અને ચિંતાજનક બાબત છે.
સ્માર્ટ મીટર લગાડવા કે ન લગાડવા તે બાબત જે તે રાજ્ય સરકારની મુનસુફી ઉપર નિર્ભર છે.
ભારતમાં કેરળ સહિત કેટલાક રાજ્યોની રાજ્ય સરકારે સ્માર્ટ મીટરનો અમલ કરવાનો ઈન્કાર કરી દીધો હોવાનું જાણવા મળે છે. લોકસભાની ચૂંટણી પત્યા પછી ગુજરાતમાં ધડાધડ સ્માર્ટ મીટરો નાંખવાનું શરૂ કર્યું છે, પણ સ્માર્ટ મીટરનો થઈ રહેલો વ્યાપક વિરોધ અને આ વિરોધ વિરાટ સ્વયંભૂ જનઆંદોલનમાં પરિવર્તિત થાય તે પહેલા જ રાજ્ય સરકારે વીજતંત્રના ઉચ્ચ અધિકારીઓને તાબડતોબ ગાંધીનગર બોલાવી હાલ પૂરતી કામગીરી અટકાવી દેવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
આ પ્રશ્ન તો દરેક ઘર, દરેક પરિવારને સ્પર્શતો અતિ ગંભીર આર્થિક પ્રશ્ન છે. તેથી કોઈની આગેવાનીની પરવા લોકોએ કરી નથી તે હકીકત છે. આમેય સતાધારી પક્ષના તો સરપંચથી લઈને સાંસદ સુધીના કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્માર્ટ મીટરમાં ઉતાવળે અમલ નહીં કરવાની રજૂઆત કરવા માટે એક હરફ પણ બોલ્યા નથી કે બોલી શકતા નથી તે આજના સત્તાલક્ષી રાજકારણની મોટી કમનસીબી જ ગણી શકાય.
બીજી તરફ સ્માર્ટ મીટર સાથે માંગણી મુજબનું એક બીજુ મીટર મૂકવાનો નિર્ણય લેવાઈ શકે છે,
તેવા અહેવાલો વહેતા થયા છે, અને આ અંગે ટૂંક સમયમાં કોઈ સ્પષ્ટ જાહેરાત થઈ શકે છે. લોકો અત્યાર સુધી આ અંગે સરકાર કે કંપની તરફથી કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી, પરંતુ રાજ્યવ્યાપી પ્રચંડ વિરોધ પછી સરકાર સફાળી જાગી છે, અને હાઈકોર્ટમાં આ મુદ્દે રીટ કરી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ વીજ મીટરમાં રીચાર્જ બાબતે પણ કોઈ જાતની સૂચના કે સમજ વીજ મીટર બેસાડવા આવનાર દ્વારા આપવામાં આવતી નથી. સ્માર્ટ વીજમીટરમાં રીચાર્જ માટે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અત્યંત જરૂરી છે, પરંતુ જેમની પાસે આવો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ના હોય તેવા વીજ કનેક્શન ધારકને રીચાર્જ બાબતે ભારે તકલીફ પડે છે, જો કે નિયત સમયે રીચાર્જ નહીં કરાવાતા વીજધારક ગ્રાહકનું કનેક્શન તાત્કાલિક ધોરણે કપાઈ જાય છે. જ્યારે બીજી બાજુ અગાઉના જુના મીટરોમાં પોસ્ટ પેઈડ વીજબીલ ભરવાની સિસ્ટમ હતી. જેમાં મુદ્ત વીતવા છતાં પણ વીજ નિગમ દ્વારા ચોક્કસ મુદ્ત આપવામાં આવતી હતી.