વર્ષ 2018–19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.
રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/2019 થી તા.7/10/2019 સાથે 8 (આઠ) દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.25/10/2019 થી તા.6/11/2019ના સમયગાળા દરમિયાન 13 (તેર) દિવસનું વેકેશન આપવામાં આવશે.