રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. રાજ્યની મહાનગરપાલિકાઓએ હાઇકોર્ટ સમક્ષ વિસ્તૃત સોગંદનામું રજૂ કર્યું. જે દરમ્યાન ફાયર સેફ્ટી મુદ્દે મંથર ગતિએ ચાલતી કામગીરીને લઇને હાઇકોર્ટે ફરી એક વખત સરકારની આકરી ઝાટકણી કાઢી. હાઇકોર્ટે સરકારને પૂછ્યું કે સ્કૂલ… કોલેજો… કોર્પોરેટ હાઉસમાં બીયુ પરમિશન કે ફાયર સેફ્ટી છે કે નહીં.પહેલા અને અત્યારે હાઇરાઇઝ બિલ્ડિંગ અને હોસ્પિટલમાં કેવી પરિસ્થિતિ છે તેના પર વાત કરવી જરૂરી છે… સાથે જ સરકારે ભૂતકાળમાં શું પગલાં લીધા અને હાલમાં શું પગલાં લીધા છે તે જણાવે… ગેરકાયદેસર બિલ્ડિંગોના આંકડા દિનપ્રતિદિન વધી રહ્યા છે તો હવે સરકાર શું પગલાં લેશે તે જણાવે.
જેની સામે સરકારે ફાયર એનઓસી અને બીયુ પરમિશન માટે વધુ સમય આપવાની માંગ કરી. હાઇકોર્ટે રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું કે તમારી પાસે ટેક્સ કલેક્ટ કરવા માટે પૂરતો ડેટા છે પરંતુ ગેરકાયદેસર બિલ્ડીંગનો ડેટા નથી. જે બિલ્ડીંગ પાસે બીયુ પરમિશન નહિ હોય તેને સીલ કરવામાં આવશે અથવા ડિમોલેશન કરી નાખવામાં આવશે. પરંતુ જે બિલ્ડિંગ પાસે બીયુ પરમિશન જ નથી તેની પાસે ફાયર એનઓસી ક્યાંથી આવે છે તેમ હાઇકોર્ટે પૂછ્યું. હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો કે બીયુ પરમિશન અને ફાયર એનઓસીના પ્રમાણપત્રનું વિતરણ કેવી રીતે કરો છે. કોર્ટે સરકારને જણાવ્યું કે હવે તમને સમય નહીં મળે… આપણે હજુ આગામી 10 વર્ષ સુધી રાહ નથી જોવી. હવે પ્રશ્નનું નિરાકરણ લાવો.