ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાતા ફરી એકવાર કમોસમી વરસાદનું જોખમ વધ્યું છે. આગામી 24મીથી 27મી માર્ચ એમ ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આમ એકબાજુ રાજ્યમાં કોરોના વાઈરસનું જોખમ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ વરસાદી માહોલની આગાહી કરતાં રોગચાળો વકરવાના સંકેતો જણાઈ રહ્યાં છે. કમોસમી વરસાદ ખેડૂતોના રવિ પાકને મોટુ નુકશાન પહોચાડી શકે છે.
હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહીમાં 24 અને 25 માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તેમજ સૌરાષ્ટ્રમાં જુનાગઢ, તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છમાં ઝાપટા પડવાની શક્યતાઓ વ્યક્તા કરાઈ છે. જ્યારે 26 અને 27મી માર્ચના રોજ વડોદરા, આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, તાપી, બોટાદ, ડાંગ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, જુનાગઢ, પોરબંદર તથા કચ્છ પંથકમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.