ગુજરાતમાં કોરોનાનાં 14 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યાં છે. જેને પગલે વડાપ્રધાન મોદીએ 22 માર્ચનાં રોજ આજનાં દિવસે જનતા કરફ્યુ રાખવાની અપીલ કરી છે. પરંતુ દરરોજ આંકડાઓ ધીમે-ધીમે વધતા જતા હોવાંને પગલે આજથી જ ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે 25 માર્ચ સુધી ચાર મહાનગરોમાં લોકડાઉન જાહેર કરી દીધેલ છે. રાજ્યની બજારો સહિત 80 ટકા કામગીરી ઠપ થઈ ગઈ છે. તેની સાથે સાથે જાહેર રસ્તાઓ પણ સુમસામ થઈ ગયા છે અને ભાગ્યે જ કોઈ વાહન જોવા મળી રહ્યાં છે.
સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આજે કોરોનાને પ્રસરાતો અટકાવવા માટે જનતા કરફ્યુ લગાવવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં ચાર શહેરો લોકડાઉન કરવામાં આવ્યાં છે અને રોડ રસ્તા ઉપર ચારે બાજુ શાંતી જ જોવા મળી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 14 કેસ કોરોના પોઝિટિવ આવ્યાં છે જેને પગલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લોકડાઉન જાહેર કરી દેવાયું છે. જો કે ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખવામાં આવશે. મોલ્સ, શોપિંગ સેન્ટર્સ, દુકાનો સહિત રેલવે સેવાઓ બંધ રહેશે. ઉપરાંત રાજ્યોની બસ સેવા, ઓટો-ટેક્સી પણ નહીં મળે. તેમજ હોટલોને પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે.