Gujarat; ગુજરાતના દુમાડ ગામને દલિત યુવતી કલ્પનાએ સુધારી આપ્યું, રાજકારણીઓ ન સુધર્યા
વડોદરા, 25 ઓક્ટોબર 2024
Gujarat: વડોદરાના દુમાડ ગામમાં 24 વર્ષીય યુવતી કલ્પના ચૌહાણ ગામની સરપંચ છે. સમાજકાર્ય વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહી હતી ત્યારે 22 વર્ષની ઉંમરે સરપંચ બની હતી. ત્યારે તે ગુજરાતની સૌથી યુવા સરપંચ બની હતી. તેમણે આખા ગામને સુધારી આપ્યું પણ રાજકારણીઓના કારણે આસપાસ રૂ.1200 કરોડનું આઈટીનું રોકાણ આવવાનું હતું તે ભ્રષ્ટાચારના કારણે ન આવ્યું.
Gujarat: બીકોમનો અભ્યાસ પૂર્ણ કોલેજમાંથી સ્નાતક થઈ કે તુરંત ચૂંટણી લડી હતી. એમએસડબલ્યુના બે સેમેસ્ટરમાં ડિસ્ટિક્શન, કોલેજ, શાળામાં પણ પ્રથમ વર્ગ મેળવીને તેઓ ઉત્તીર્ણ થયા છે.
તેમના પિતા કાંતિભાઇ ચૌહાણ પોતે 25 વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય છે. તેનાથી પ્રેરાઇને સરપંચ બનવાનું નક્કી કર્યું. પિતાનો સહયોગ મળ્યો. ગામ લોકોનો ટેકો મળ્યો.
ડિસેમ્બર – 2022ની ચૂંટણીમાં એક હજાર મતોથી વિજેતા બનેલી હતી. 17 જાન્યુઆરી 2023ના રોજ દુમાડ ગામના સરપંચનું પદ ગ્રહણ કર્યું. સરપંચ બનતાની સાથે તેમણે ગામને સ્વચ્છ બનાવવાનું નક્કી કર્યું હતું.
આવક
પંચાયતની આવક વધારવા નક્કી કર્યું હતું. વ્યવસાય વેરાની આવકનો સ્ત્રોત મજબૂત કર્યો છે. હાલ રૂ. 75 લાખનું સ્વ ભંડોળ છે. રૂ. 14 કરોડના કામો કર્યા છે. જેમાં માર્ગો, ગામના તળાવનું સૌંદર્ય, આંગણવાડી, પ્રાથમિક શાળા બનાવવાના કામોનો સમાવેશ થાય છે.
મહિલા સંચાલિત ગામ
દુમાડ ગામમાં 1326 ઘર છે. ગામની વસ્તી 5244 છે. ગામના તલાટી મંત્રી મિતા ચૌધરી અને ઉપસરપંચ ઉષા પરમાર છે. ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સામુહિક પ્રયત્નોથી દુમાડ આદર્શ ગામ બન્યું છે. ગામની આ દલિત દીકરી દુમાડના વિકાસ અને સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી રહી છે.
સામાજિક કામ
પંચાયત કચેરીને જનસેવાનું કેન્દ્ર બનાવ્યું છે. 260 વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય અપાવવા મદદ કરી છે. 50 પરિવારોને રાહતનું અનાજ અપાવવામાં મદદરૂપ કરી છે.
દુમાડ ગામની સ્વચ્છતા
ગામમાં ઘરે ઘરે જઈને લોકોને સમજાવ્યા કે ગામને ચોખ્ખું રાખવું છે. શેરી બેઠકો કરી. ગામ ચોખ્ખુ ચણાક થયું.
કચરાની વ્યવસ્થા
દુમાડ ગામમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. કચરાને અલગ કરવામાં આવે છે. ગામમાં સીએસઆર તથા ‘કચરે સે આઝાદી ફાઉન્ડેશન’ દ્વારા તારીખ 1 એપ્રિલ, 2019 થી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. એપ્રિલ-2021થી તે કામ ગ્રામ પંચાયત કરી રહી છે. લીલા અને સૂકા કચરો અલગ રાખવામાં આવે છે. ગામના 1,380 કુટુંબો પાસેથી લીલો અને સૂકો કચરો એકત્ર કરવામાં આવે છે.
કચરાના બદલામાં સાબુ
ઘરેથી પ્લાસ્ટિકનો કચરો અલગ કરીને આપનાર ઘરને પ્લાસ્ટિક કચરાના બદલે સાબુ અને શાકભાજી આપવામાં આવે છે. દુમાડ ગ્રામ પંચાયતમાં છેલ્લા 8 વર્ષથી ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે.
કિલો પ્લાસ્ટીકના રૂ. 10
એક કિલો પ્લાસ્ટિક લઈને આવનાર વ્યક્તિને કિલોના 10 રૂપિયા આપવામાં આવે છે.
કર્મચારીઓ
આ કામ માટે 6 શ્રમયોગીઓ કાર્યરત છે. જાહેર માર્ગો અને જાહેર સ્થળોની સફાઈ માટે 22 સ્વચ્છતા કર્મીઓ રાખવામાં આવ્યા છે. જેમને મહેનતાણું દુમાડ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે.
પ્લાસ્ટિક
પ્લાસ્ટિકના કચરાને સાત કેટેગરીમાં વિભાજિત કરી બેલીંગ મશીનમાં નાખી તેનું વોલ્યુમ ઓછું કરીને તેને આણંદ અને અમદાવાદ ખાતે આવેલી કંપનીમાં મોકલવામાં આવે છે કે જ્યાં આ કંપની દ્વારા તેમાંથી બાંકડા અને ઇંટો તૈયાર કરવામાં આવે છે. ગામના તળાવ ફરતે મૂકવામાં આવેલા બાંકડા પ્લાસ્ટિકમાંથી બન્યા છે.
ખાતર
આ કચરાને વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ પર લાવવામાં આવે છે, કે જ્યાં લીલા કચરાને રૉકેટ કમ્પોસ્ટરમાં નાખી તેમાં બૅક્ટેરિયલ કલ્ચર ઉમેરી 30 દિવસ રાખી કમ્પોસ્ટ પીટમાં ભરવામાં આવે છે. કમ્પોસ્ટ થઇને પ્રવાહી અને સૂકા ખાતર બને છે. ઓર્ગેનિક ઘન અને પ્રવાહી ખાતરને ખેડૂતોને વહેંચવામાં આવે છે.
ગૌરવ
જિલ્લા સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે દુમાડને ચોખુ રાખવાનું માન અપાવ્યું છે. 2 ઓક્ટોબર 2024માં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની હાજરીમાં સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમાં ગુજરાતમાંથી એકમાત્ર કલ્પનાબેન હતા.મોડેલ ગામ
વડોદરાના દુમાડ અને અલવા બે ગામની નમુના ગામ તરીકે પસંદગી થઈ હતી. પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના નિર્દેશક કરણજીત સંઘે દુમાડ ગામની મુલાકાત લીધી હતી. પ્લાસ્ટિક પોલ્યુશન પર્યાવરણ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. માનવ જીવન માટે અતિ જોખમી છે. તેનું શ્રેષ્ઠ આયોજન ગામ દ્વારા કરાયું છે.
ઇશિતા થીટે
જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સાથે માર્શલ આર્ટ-કરાટે ચેમ્પિયન ઇશિતા થીટે દુમાડમાં સ્વચ્છતા હી સેવા કામ માટે આવ્યા હતા. સફાઇ અને સ્વચ્છતા એ સ્વભાવમાં હોવી જોઇએ. ગ્રામજનોએ સ્વચ્છતા સંકલ્પ લીધા હતા. 10 બાળકોને ગામના સ્વચ્છતા મોનિટર બનાવવામાં આવ્યા હતા. આરોગ્ય સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર રોહિત, જિલ્લા આયુષ અધિકારી ડો. સુધીર જોશી, તાલુકા વિકાસ અધિકારી વિકાસ પ્રજાપતિ, એસબીએમના રૂપાબેન ગોહિલ, આચાર્ય આનંદીબેન છે.
પુલ
દુમાડ ચોકડી પાસે દુમાડ, સાવલી, વડોદરા શહેર, નેશનલ હાઈવે નંબર-8 અને એક્સપ્રેસ વે આ તમામનું ટ્રાફિક ભેગું થતું હતું. જેના કારણે અહીં વાહનોની લાંબી કતારો લાગવાથી ઇંધણના બગાડ સાથે એક વાહનચાલક સરેરાશ 35 મિનિટ જેટલો સમય પણ બગડતો હતો. સપ્ટેમ્બર-2021 માં કેન્દ્રીય મંત્રી ગડકરીના હસ્તે વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શન કામનું ખાતમુહૂર્ત કરી 2023માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ગામમાં મગર અને અજગર ઘણાં નિકળે છે. અહીં તો રાજકીય અને અધિકારીઓનો ભ્રષ્ટાચારનો અજગરી ભરડો લીધો હતો.
ભ્રષ્ટાચાર
ગામ વુડામાં આવે છે. શાલિની અગ્રવાલ હાલ વુડાના અધ્યક્ષ હતા. આ ગામની ટીપી સ્કીમ માટે વુડાની વિકાસ પરવાનગીની અનેક ફાઈલ લાંબા સમયથી નિકાલ નહીં થતી હોવાની વ્યાપક ફરિયાદો હતી. ઓડિટની ખામી કાઢતાં હોવાથી ફરિયાદ ક્રેડાઈ સુધી પહોંચી હતી. 9 વર્ષ પહેલા વડોદરામાં રાજ્યની સૌથી મોટી ટીપી સ્કીમ બનાવવાની હતી. વુડાના 7 ગામ વેમાલી, દુમાડ, દેણા, કોટાલી, વિરોદ, આમલિયારા અને સુખલીપુરા હતા. આઈટી પોલિસીના આધારે બનેલી આ ટીપી સ્કીમમાં કેટલીક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનીઓએ 1200 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. 9 વર્ષથી આઈ ટી ટીપી સ્કીમનો અમલ કરાયો ન હતો. આઈટીનું જંગી રોકાણ ઝવાનું હતું તે જતું રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બધું જાણતા હોવા છતાં તેમણે કંઈ કર્યું ન હતું.
જમીન દબાણ
વડોદરા તાલુકાના દુમાડ ગામની જમીનો પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 12 ઓગસ્ટ 2021માં પોલીસ ફરિયાદ થઈ હતી. જનતાની માલિકીની જમીનો પર ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજો કર્યો હતો. 12445 ક્ષેત્રફળ વાળી જમીન પૈકી પતરાના કાચા ઝુંપડા, ગેરેજ બનાવી દીધા છે. રસ્તો બ્લોક કરી દીધો હતો.
હત્યા
2020માં દુમાડ ગામની ખેતરમાં દેણા તરફ જવાના રસ્તે પાણીના ખાબોચિયામાંથી ડીકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
ચોરી
દુમાડ ગામમાં આવેલી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, બે મકાનના તાળા તોડી 4.91 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.
ગોળીબાર
દુમાડ ચોકડી ખાતે 6 રાઉન્ડ ગોળીબાર ભરવાડ યુવાનો પર ગોળીબાર થયો હતો. અહીંથી ડ્રગ્સ પણ પકડાયું હતું.