નખત્રાણા તાલુકાના છારી ગામની કુંઢી નસલની ભેંસ ૩ લાખમાં વેંચાઈને ફરી એક વાર રેકોર્ડ સર્જીને પોતાના માલિકને ચાંદી કરાવી દીધી છે. અગાઉ પર જિલ્લામાં લાખેણી ભેંસો મોટી કિંમતમાં વેંચાઈ ચુકી છે. છારીના રહેવાતી જત અબ્દુલ કલામ નુર મોહમ્મદે કુંઢા શીંગડાવાળી ભેંસને અમદાવાદના સાણંદના રહેવાસી પંકજ રબારી નામના ગ્રાહકને ૩ લાખમાં વેંચી હતી.આ ભેંસ ઉચ્ચ કિંમતમાં વેંચાતા ફરી એક વાર બન્ની વિસ્તારનું નામ રોશન થયું છે. અગાઉ વડાપ્રધાન મોદીએ પણ જાહેરમંચ પરથી કચ્છની બન્ની ભેંસની નસલના વખાણ કરીને તેને ઉજાગર કરી હતી. કચ્છમાં અગાઉ પણ એક પાડી સાડા ત્રણ લાખમાં વેંચાઈ હતી. અમદાવાદ વિસ્તારના ઘણા બધા રબારી સમાજ તથા અન્ય સમાજના ગ્રાહકો કચ્છ જિલ્લામાં મહેમાન બનીને ભેંસની ખરીદારી કરતા હોય છે. સારી ભેંસ મેળવવા ગ્રાહકો રીતસરના ગામડાઓમાં દરબદર ફરતા હોય છે. તલ, લૈયારી, છારી, પૈયા, ફુલાય, ઝાલુ, ભગાડીયા, સેરવા, સરાડા, હાજીપીર, લુડબાય, બુરકલ, ભિટારા, ડાડોર તથા વંગ સહિતના ગામોમાં કચ્છ બહારના ખરીદારો ખરીદી કરતા નજરે પડતા હોય છે.
