ગુજરાતમાં થોડા દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યાં છે. તેમના સ્વાગત માટે તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સામાન્ય જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ અમેરિકન પ્રેસિડેન્ટને ઝાકમઝોળ ગુજરાત બતાવવામાં કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં જ્યારે પણ અન્ય દેશના નેતાઓ આવે છે, ત્યારે મોટાભાગના રોડ-રસ્તાઓ નવા બની જતા હોય છે. તેવી જ રીતે આ વખતે પણ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા જ અમદાવાદના તેઓ જ્યા થઈને ચાલવાના છે, તે મોટાભાગના રસ્તાઓ નવા બની ગયા છે.
જોકે, ગુજરાતની એક સમસ્યા એવી છે કે, તે પાછલા 27થી વધારે વર્ષથી સત્તામાં બેસેલ ભાજપ સરકાર દૂર કરી શકી નથી. આ સમસ્યા છે ‘ગરીબી.’ પાછલા 27થી પણ વધારે વર્ષથી ગુજરાતમાં સત્તા ભોગવી રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગરીબીમાં સતત વધારો થયો છે. તેવામાં ગુજરાત મોડલને દેશ-વિદેશમાં બતાવવા માટે ગુજરાત સરકાર ગરીબોની સ્થિતિ સુધારવાની જગ્યાએ તેમને છૂપાવી દેવાની નીતિ અપનાવી છે. અમદાવાદમાં આવતા ડોનાલ્ડ ટ્રમ્પ ગરીબીને જોઈ ના જાય તેથી એરપોર્ટ નજીક આવેલ સરણીયા વાસને છૂપાવવા માટે ઈન્દિરા બ્રીઝ સુધી એક કિલો લાંબી દિવાલ બનાવી દેવામાં આવી છે. એક કિલોમીટર દિવાળ પાછળ આવેલી ઝૂપડપટ્ટીમાં પાંચ હજારથી વધારે ગરીબોને છૂપાવી દેવામાં આવ્યા છે. આ દિવાળથી ગરીબી ભોગવી રહેલા લોકોના જીવનને વધારે મુંઝવણભર્યું બનાવી દેવામાં આવ્યું છે.
એક સ્થાનિક અનુસાર, “ગરીબો માટે દિવાલ એક જેલ જેવું કામ કરશે. ચોમાસામાં તેમનું જીવન દોહીલું બની રહેશે. ઘરોમાં પાણી ઘૂસી જશે અને કાદવ-કિચડનો તો કોઈ પાર જ નહીં હોય.” સામાન્ય માણસ અને ગરીબોના અનેક મુદ્દાઓને નજર અંદાજ કરીને ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહેલી ભાજપ સરકાર ગરીબોને છૂપાવવામાં લાગી છે. આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને જાપાન વડાપ્રધાન શિંજો આંબે આવ્યા ત્યારે ગરીબોને છૂપાવવા માટે પડદા મારી દેવામાં આવ્યા હતા. જોકે, દરેક વખતે પડદાઓ થકી ગરીબીને છૂપાવવાની ઝંઝટને દૂર કરવા રૂપાણી સરકારે પરમેનેન્ટ સોલ્યુશન લાવતા એક કિલોમીટર અને સાંત ઈંચ લાંબી દિવાલ જ ચણાવી નાખી છે.