Gujarat: લોકસભાની ચૂંટણીનો માહોલ જેમ જેમ જામશે તેમ તેમ હવે નીત-નવા સમીકરણો અને ચોંકાવનારી ખબરોથી લોકો પણ અચંબામાં પડતા રહેવાના છે. ભાજપ માટે ગુજરાત સૌથી સલામત રાજ્ય છે. એવુંકહી શકાય કે ભાજપ માટે રાજકીય સ્વર્ગ છે અથવા તો ્ભેદ કિલ્લો છે. પાછલા લાંબા સમયથી કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષ ભાજપના આ કિલ્લાને ભેદી શક્યા નથી,
આમ તો ગુજરાતમાં ટીકિટ મેળવવા માટે ભાજપમાં પડાપડી જામેલી હોય છે. કોઈ નેતા પોતાની જાતને નસીબવંતો માને છે કે તે ભાજપ સાથે છે. ભાજપ માટે એવું કહેવાય છે કે સ્ટ્રીટ લાઈટના થાંભલાને પણ ટિકિટ આપી દો તો એ જીતી શકે છે. આવી સ્થિતિમાં સાબરકાંઠા અને વડોદરામાંથી ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે.
ભાજપમાં કોઈ ટિકિટ પરત કરી દે તે બહુ મોટી વાત ગણવાની રહે છે. સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોર અને વડોદરામાંથી વર્તમાન સાંસદ રંજન ભટ્ટે મળેલી ટિકિટ પાછી આપી દેવાનો ચોંકાવનારા નિર્ણયની જાહેરાત કરીને ભાજપ તો શું તમામને ચોંકાવી દીધા છે.
બન્નેની ચૂંટણી લડવાની અનિચ્છા વાસ્તવમાં પાર્ટીનો આદેશ તો નથી ને? વિરોધને જોતાં ભાજપે બન્ને ઉમેદવારો પાસેથી ચૂંટણી નહીં લડવાની ઈચ્છા જાહેર પરાણે પરાણે જાહેર કરાવડાવી છે? હકીકતમાં વડોદરા, સાબરકાંઠા તો શું ગુજરાતની 26-26 સીટ ભાજપ માટે સલામત હોવાનું માનવામાં આવે છે. કોઈ પણ ઉમેદવાર હોય ભાજપની જીત પાક્કી છે, એવું માનવામાં આવે છે. કારણ કે ભાજપ પાસે વડાપ્રધાન મોદીનો મજબૂત ચહેરો છે અને આ ચહેરા પર જીતવાની ભાજપને 100 ટકા ગેરંટી છે.
પણ ફરી પ્રશ્ન ત્યાં આવીને અટકે છે કે ઉમેદવાર જાહેર થયા બાદ ઉમેદવાર બનવાની ના પાડવામાં આવી હોય એવું ભાજપમાં પહેલી વાર બની રહ્યું છે. અત્યાર સુધી ભાજપમાં કોઈ કશું પણ બોલી શકતું ન હતું. પરંતુ જ્યારથી પારકા નેતાઓ માટે ભાજપમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી રહી છેસ ત્યારથી ભાજપના વર્ષો જૂના કાર્યકરોમાં ભારે કચવાટ, રઘવાટ, અસંતોષ અને ઉકળતો ચરુ છે. ઉચ્ચ કક્ષાના નેતાઓ પાયાના કાર્યકરોની લાગણીને ઢેબે ચઢાવી રહ્યા હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે પરંતુ પીએમ મોદીના નામે બધા તરી રહ્યા છે અને રાજપાઠ ભોગવી રહ્યા છે.
મતલબ એ છે કે રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોરની ઘટના ભાજપ માટે પાશેરમાં પહેલી પૂણી જેવી છે. ગુજરાત જ નહીં દેશભરમાંથી આ રઘવાટ અને કચવાટ બહાર આવતા વાર લાગશે નહીં.