ઉનાળો આવતાં જ મનુષ્યની માફક વિવિધ પ્રાણીઓને પણ અકળામણ થવા લાગે છે એટલે જ જમીનમાં છૂપાઈને રહેતા સજીવો બહાર નીકળવા લાગે છે. ગુજરાતના વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર વર્ષોથી મગરના આતંકનો સામનો કરી રહ્યું છે. ત્યારે હાલની સ્થિતિ જોતા અહીં ઉનાળો આવતા જ સર્પના દર્શન પણ વધી ગયા છે.વડોદરાની સંસ્થા વાઈલ્ડલાઈફ એસઓએસએ જણાવ્યું હતું કે, એકલા એપ્રિલમાં જ વડોદરામાંથી સર્પ નીકળ્યાના 30 પ્રસંગો નોંધાયા હતાં. શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં ક્યારેક સાપ જોવા મળે તેની નવાઈ નથી હોતી. પરંતુ વડોદરા જેવા મહાનગરમાં એક જ મહિનામાં 30 સાપને બચાવીને સલામત સ્થળે છોડી મૂકવા પડ્યા હતાં.સામાન્ય રીતે સાપ સહિતના પેટે ચાલનારા પ્રાણીઓ શહેરી વિસ્તારમાં દિવસના ભાગે બહાર નીકળવાનું પસંદ કરતા નથી. પરંતુ ઉનાળો આકરો બનતા જમીન નીચે રહેવું સાપ માટે મુશ્કેલ થઈ રહ્યું છે. વાઈલ્ડલાઈફ એસઓએસે જણાવ્યું હતું કે, અમને અમારા ઈમર્જન્સી સ્નેક રેસ્ક્યુ નંબર (+91-9825011117) પર સર્પ દેખાયાની વિગત મળે એટલે અમે તુરંત પહોંચી જઈ તેને સલામત રીતે વન વિસ્તારમાં છોડી દઈએ છીએ. સામાન્ય નાગરિકો સર્પને ઝેરી કે બિનઝેરી એ રીતે ઓળખી શકતા નથી. એટલે મોટે ભાગે સર્પ જોતાંની સાથે જ ડરી જતાં હોય છે. પરંતુ મોટા ભાગના સાપ ઝેરી હોતા નથી. ઝેરી હોય તો પણ મનુષ્ય પર હુમલો કરવાનું પસંદ કરતા નથી. પોતાના બચાવ વખતે જ સર્પ હુમલો કરતા હોય છે. વડોદરામાં વધી રહેલા સર્પના કિસ્સા દર્શાવે છે કે ધરતી વધારે ઝડપથી ગરમ થઈ રહી છે. વળી આ માત્ર વડોદરાનો કિસ્સો છે, પરંતુ દેશનાં અન્ય શહેરોમાં પણ છેલ્લાં વર્ષોમાં સર્પ દેખાવાના કિસ્સા સતત વધ્યાં છે.
