‘જનતા કર્ફ્યુ’ની અપીલને રાજ્યોની સરકારો અને કેન્દ્રએ સિરિયલ લીધુ છે. રેલ્વે દ્વારા 21 માર્ચની મધરાત્રેથી 22 માર્ચ 10 વાગ્યા સુધી ટ્રેનો રદ્દ કરી છે. આ વચ્ચે ગુજરાત એસ.ટી. ડેપો દ્વારા જનતા કર્ફ્યુને ધ્યાનમાં રાખતા મોટો નિર્ણય લીધો છે. એસ.ટી નિગમે આગામી 22 માર્ચે રવિવારે સવારે 7 કલાકથી રાતના 9 કલાક સુધી તેની તમામ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રવિવારે સવારે પાંચ વાગ્યા પહેલા ગંતવ્ય સ્થળે પહોંચી જતી બસોને જ શનિવારે રાત્રે જે તે ડેપોમાંથી રવાના કરાશે. જ્યારે પાંચ વાગ્યા પછી ગંતવ્ય સ્થળે પહોંચતી હોય તેવી તમામ બસોને શનિવારે રાતથી જ બંધ કરી દેવામા આવનાર છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વેપારી સંગઠનોએ સ્વંયભૂ બંધ પાળશે. જેને પગલે બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.
કોરોનાવાયરસને લઇને રિઝર્વેશન રદ થવા માંડતા તેમજ રૂટીન મુસાફરોની સંખ્યા પણ પચાસ ટકાથી વધુની ઘટી જતા રોજ મુસાફરોથી ધમધમતા રહેતા એસ.ટી.બસ સ્ટેશનો પર સન્નાટો છવાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ગીતા મંદિર એસ.ટી.બસ મથકે 70 ટકા મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વહેલી સવારથી જ રિઝર્વેશન કાઉન્ટરો ખાલી પડ્યા છે. જે મુસાફરો આવી રહ્યા છે તેમાંથી મોટાભાગના લોકો રિઝર્વેશન રદ કરવા માટે આવી રહ્યા છે.
કર્મચારીઓ સાવચેતી વર્તી રહ્યા છે. કર્મચારીઓ માસ્ક પહેરીને ફરજ બજાવી રહ્યા છે. જે લોક સ્ટેશને આવી રહ્યા છે તેમાંથી મોટાભાગના લોકો માસ્ક કે રૂમાલ બાંધીને સ્ટેશન પરિસરમાં આવી રહ્યા છે.
રવિવારના જનતા કરફ્યુને લઇને એસ.ટી.નિગમની 8000 બસોનું સંચાલન ખોરવાશે. જેમાં 45 હજાર ટ્રીપો રદ રહેશે. બસમાં રોજના 25 લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે. જેમાં અમદાવાદની 670 બસોની 3850 ટ્રીપો રદ રહેશે. જેમાં આશરે 1 લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે. અમદાવાદ વિભાગમાં સામાન્ય દિવસોમાં 65 લાખની આવક થાય છે. જ્યારે હાલમાં કોરોના વાયરસને પગલે મુસાફરો ઘટી જતા આવકમાં ઘટાડો થયો છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં અત્યાર સુધી 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ 3, વડોદરા 3 અને સુરત-રાજકોટમાં 1-1 કેસો નોંધાયા છે.