Gujarat: ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ભાજપે 15 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા બાદ બાકીની 11 સીટ માટે તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી છે. વિવિધ નામોની અટકળો પણ જોરમાં છે ત્યારે મહિલા પ્રતિનિધિત્વને લઈ પણ ભારે વિમાસણની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, ભાજપ દ્વારા બાકીના નામોની પણ ગમે ત્યારે જાહેરાત થવાની શક્યતા જોવા મળી રહી છે.
ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ 11 સીટો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, તેમાં ખાસ કરીને મહિલા ઉમેદવારોને લઈ અટકળો ચાલી રહી છે. સૂત્રો કહી રહ્યા છે કે હાલમાં જે મહિલા સાંસદો છે તેમની ટિકિટ માટે ભારે ગરમાટો છે. કેટલાક સૂત્રો દાવો કરી રહ્યા છે કે હાલના તમામ મહિલા સાંસદોની ટિકિટ કાપી નાંખવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે તો કેટલાક કહી રહ્યા છે કે રિપોર્ટ કાર્ડના આધારે એક બે મહિલા સાંસદોને જીવંતદાન મળી શકે છે.
સૂત્રો મજબ વડોદરાના રંજનબેન ભટ્ટ, સુરતના દર્શનાબેન જરદોશ, મહેસાણાના શારદાબેન પટેલ, ભાવનગરના ભારતીબેન શિયાળ, છોટાઉદેપુરના ગીતાબેન રાઠવાના નામો કપાય તેવા સંકેત મળી રહ્યા છે. તેમની જગ્યાએ કોઈ નવા જ નામો આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. જો કે, બાકી રહેતી 11 બેઠકોમાં પ્રથમ વખત ચૂંટણી લડી હોય એવી ચાર બેઠકો છે. મહેસાણા, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર તેના ઉમેદવારોએ પ્રથમ વખત જ ચૂંટણી લડી છે. જ્યારે બીજી વખત ચૂંટણી લડી હોય તેવી બેઠકોમાં સાબરકાંઠા, જૂનાગઢ, ભાવનગર, વડોદરા અને સુરતનો સમાવેશ થાય છે. ત્રણ ટર્મ સુધી ચૂંટાયેલા સભ્યોની યાદીમાં વલસાડ અને અમરેલીની બેઠક આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી મહિલાનું નેતૃત્વ ન હોય તેવી બેઠકોની યાદીમાં અમદાવાદ પૂર્વ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને વલસાડની બેઠકનો સમાવેશ થાય છે. આથી આ બેઠક પર મહિલાઓના નામોની જાહેરાત થઈ શકે છે. છેલ્લી બે કે ત્રણ ટર્મમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ખાસ રહ્યું નથી. 18મી લોકસભા બાદ દેશમાં જનપ્રતિનિધિત્વ માટે 33 ટકા મહિલા અનામત અમલ આવી શકે છે. 26 બેઠકમાંથી છ મહિલાઓને ટિકિટ આપવી પડશે ગત વખતે આ ટકાવારી 23 ટકાની આસપાસ રહી હતી.