Gujarat: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દિવ લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. આ સીટ પર ભાજપ અને કોંગ્રેસના હાર જીતના ગણિતમાં અપક્ષ ઉમેદવાર ભાંજી મારી દે તેવા પ્રકારના આંકડા કહી રહ્યા છે. ભાજપે વર્તમાન સાંસદ લાલુ પટેલને ફરીથી રિપીટ કર્યા છે તો કોંગ્રેસે કેતન પટેલ પર દાવ રમ્યો છે. જ્યારે ઉમેશ પટેલે ફરી એક વાર અપક્ષ તરીકે કિસ્મત અજવાવાનું નક્કી કર્યું છે.
કેતન પટેલે દમણ દિવમાં બહોળી રીતે પ્રચારનો પ્રારંભ કર્યો છે તો સાંસદ લાલ પટેલે પણ આક્રમકતાથી પ્રચારને વેગીલો બનાવી દીધો છે.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની તીવ્ર હરીફાઈ વચ્ચે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ત્રિકોણનો ત્રીજો ખૂણો બની ગયા છે. ઉમેશ પટેલ કોને નડી જશે એ અંગેના ગણિત અને સમીકરણો મંડાઈ રહ્યા છે.
2019ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપમા ઉમેદવાર લાલુ પટેલને 37,597 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને 27,655 વોટ મળ્યા હતા.
સૌથી મહત્વની વાત એ છે કે ભાજપ કોંગ્રેસની રસાકસીમાં 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા ઉમેશ પટેલને 19,938 વોટ મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલની 9,942 મતે હાર થઈ હતી. એટલે કે કેતન પટેલને ઉમેશ પટેલ સીધી રીતે 2019ની ચૂંટણીમાં નડી ગયા હતા. કુલ મતદાન 87,473નું થયું હતું. પાછલી ત્રણ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને જીતવા દીધા નથી.એક માત્ર 2004માં કોંગ્રેસ અહીંયા જીતી શકી હતી. બાદમાં દમણ દિવ લોકસભા ભાજપનો ગઢ બની ગઈ છે. લાલુ પટેલ ચોથી ટર્મ માટે ચૂંટણી મેદાનમાં છે.
સીધી વાત એ છે કે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે 2019માં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના વોટ કાપ્યા હતા
અને કોંગ્રેસના પરાજ્યમાં મોટો ભાગ ભજવ્યો હતો. આ વખતે પણ ઉમેશ પટેલ અપક્ષ તરીકે ઉભા રહ્યા છે અને કોંગ્રેસને નુકશાન કરવાની ગણતરીઓ મૂકવામાં આવી રહી છે, જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ માટે કપરા ચઢાણ હોવાની ચર્ચા ચાલી રહી છે.
આમ તો દમણ અને દિવ એક રીતે જોઈએ તો સૌથી લાંબી લોકસભા સીટ છે. એક છેડે દમણ છે તો બીજા છેડે દિવ છે. ઉમેદવારો માટે પ્રચાર કરવાનું ભારે થઈ રહ્યું છે. આ સ્થિતિમાં ભાજપ દ્વારા હાઈટેક પ્રચારની સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે અને રાષ્ટ્રીય નેતાઓ સહિત અનેક નેતાઓ પ્રચારમાં જોડાઈ રહ્યા છે.