એસટી કર્મચારીઓની હડતાળને લઇને સામાન્ય લોકોને હાલાકી ન પડે તે માટે ગુજરાત ટ્રાવેલ્સ એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ છે. જેમાં અમદાવાદથી અગત્યના પરિવહન સ્થળો માટે 250 બસોની મદદ માટે એસોસિએશને તૈયારી દર્શાવી છે. તો બીજી તરફ તંત્ર તરફથી પણ અમદાવાદ શહેરની અંદર ખાનગી બસના પ્રવેશને લઇને મંજુરી આપવામાં આવશે. જેમાં સરખેજ, સીટીએમ, ગીતા મંદિર સહિતના 13 જેટલા સ્થળેથી વ્યાજબી ભાડાથી પ્રવાસીઓને લઇ જવાશે. તો બીજી તરફ પરિસ્થિતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ તે માટે પોલીસની પણ મદદ લેવાશે.
ગુજરાતભરમાં આજે એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. તેમની માંગ હતી કે સાતમા પગારપંચનો લાભ તેમને પણ મળવો જોઈએ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જે પ્રકારનું નિવેદન આપ્યું, તેને લઈને હવે એસટીના કર્મચારીઓની હડતાળ એક દિવસની મટી અચોક્કસ મુદ્દતની બની ગઈ છે. જેના કારણે બધો ભાર ગુજરાતની જનતાને વેઠવાનો વારો આવશે. હવે તો દર અઠવાડિયે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે જેથી સૌથી વધારે ભોગવવાનું વિદ્યાર્થીઓને આવશે કારણ કે વિદ્યાર્થીઓને કંઈ તેમના જ સેન્ટર પર નથી મુકવામાં આવતા. અમદાવાદનો વિદ્યાર્થી જૂનાગઢમાં હોય અને આ માટે સસ્તુ સાધન એસટી હોય છે. પણ મુખ્યપ્રધાન રૂપાણીએ પોતાના નિવેદનથી ન માત્ર વિદ્યાર્થીઓ પણ ગુજરાતની તમામ જનતાને ભોગવવાનો વારો આવ્યો છે
ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની આઠ હજાર જેટલી બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી બસોની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. અંદાજે 25 લાખ જેટલા મુસાફરોને આ હડતાળની અસર થઇ છે. તો અંદાજે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓને પણ અસર પહોંચી છે. બાર લાખમાંથી નવ લાખ પાસ ધારકો છે. એક દિવસની હડતાળને કારણે એસટી નિગમને સાત કરોડનો ફટકો પડશે. નોંધનીય છેકે આ હડતાળને લઇને મોડી રાત્રે એસટી નિગમના MD અને યુનિયન વચ્ચે બેઠક યોજાઇ હતી.જે બેઠક નિષ્ફળ રહી હતી અને કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા.