ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2017માં યોજવામાં આવી હતી. એક વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે ડિજીટલ ગુજરાતના બણગાં ફૂંકતી ગુજરાત સરકારની ગુજરાત વિધાનસભાની વેબસાઈટ પર ધારાસભ્યોની યાદીને અપડેટ કરવામાં આવી નથી. આજે પણ કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહીલ અબડાસાના ધારાસભ્ય હોવાનું ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઈટ દર્શાવી રહી છે.
ગુજરાત સરકારનાં ડિજીટલ પ્રોજેક્ટનું મોનીટરીંગ કરતી એજન્સી પાસે સમય નથી કે શું? મુખ્યમંત્રી અન મંત્રીઓના પોર્ટફોલિયો સહિતની માહિતી અપડેટ કરી દેવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી છે એ પણ અપડેટ છે. 182 ધારાસભ્યોને હજુ પણ વેબસાઈટ પરથી દુર જ રાખવામાં આવ્યા છે. ગુજરાતના સરકાર એકમોને ડિજીટલાઈઝ્ડ કરવાની કામગીરી પ્રાઈવેટ એજન્સીને આપવામાં આવી છે. આ પ્રાઈવેટ એજન્સી દ્વારા લાસરીયા ખાતું ચલાવવામાં આવી રહ્યું હોવાનું વિદિત થઈ રહ્યું છે.
182 ધારાસભ્યોની લિસ્ટ મૂકવામાં નહીં આવતા યુઝર્સને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ધારાસભ્યોની યાદી આજે 11 મહિનાનો સમયગાળો વિત્યો હોવા છતાં અપડેટ કરવામાં આવી નથી તે સમજી શકાતું નથી. કાં તો એજન્સીને બહુ બધું કામ સોંપી દીધું છે અથવા તો એજન્સી દ્વારા હોતી હૈ ચલતી હૈ જેવું રગશિયું ગાડું હાંકવામાં આવી રહ્યું છે અથવા તો સરકારે એજન્સીને સમયસર પેમેન્ટ આપ્યું નથી કે શું?
જે હોય તે હાલ તો ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઈટ જોતા એટલું ચોક્કસ લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઈન્ડીયાનું ઉલાળીયું કરવા ગુજરાત સરકાર અગ્રેસર છે. ગુજરાત વિધાનસભાની વેબાસાઈટ પર ધારાસભ્યોનું લિસ્ટ ક્યારે અપડેટ થશે એ તો સમય આવ્યે જ ખબર પડશે.