Gujarat: રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી, દિવસે ને દિવસે તેમની સામે ક્ષત્રિય સમાજનો વિરોધ વધુને વધુ તીવ્ર બની રહ્યો છે. આ સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ એલર્ટ મોડ પર છે અને રુપાલા સામેના વિરોધમાં ક્યા નેતાઓ અને ક્યા આગેવાનો છૂપી રીતે સક્રીય રહીને બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે તેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રુપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ વધી રહ્યો છે સાથે જ ભાજપન ક્ષત્રિય સમાજના નેતાઓ પણ અવિરત રીતે હાઈકમાન્ડ સમક્ષ રુપાલાની ટિકિટ કાપી લેવાની માંગ કરી રહ્યા છે. હજુ તો ઉમેદવારી નોંધાવવાની વચ્ચે ખાસ્સો સમય છે. મોટી મુશ્કેલી એ છે કે ઉમેદવારોના નામ વહેલા જાહેર કરી દેવામાં આવ્યા હોવાથી પણ કાર્યકરો અને નેતાઓનો વાંધો, વિરોધ ઉભરી આવ્યો છે.
હવે રુપાલાએ ક્ષત્રિય સમાજનો અપમાન કર્યું હોવાને લઈને સમાજ ધીમે ધીમે આખાય મુદ્દાને રસ્તા પર લઈ જઈ રહ્યો છે.
ઠેક-ઠેકાણે વિરોધમાં બેનરો લાગી રહ્યા છે. કેટલાક ગામોમાં તો ભાજપના નેતાઓ પર પ્રવેશબંધીના પાટીયા પણ લાગી ગયા છે. ક્ષત્રિય સમાજની સાથે રુપાલા સામેના વિરોધમાં રાજકીય રોટલી શેકવા નીકળેલા ભાજપના જ કેટલાક નેતાઓના નામે હાઈકમાન્ડ સમક્ષ પહોચ્યા છે. હાઈકમાન્ડ દ્વારા મામલાને થાળે પાડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા રહ્યા છે પરંતુ સમાજનો વિરોધ યથવાત રહ્યો છે, બલ્કે વધુ ઉગ્ર બની રહ્યો છે.
સૂત્રો જણાવી રહ્યા છે હાઈકમાન્ડ દ્વારા રાજકોટની સીટ પરથી રુપાલાને બદલવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
અને સાંસદ મોહન કુંડારિયાને રિપીટ કરવાની માંગ કરવામાં આવી રહી છે. રુપલાના વિરોધમાં ગુજરાત કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. મહિલા પાંખના પદ્વમીનિબા વાળાએ પણ ભાજપ મોવડી મંડળ સમક્ષ વિરોધ દર્શાવ્યો છે. આ સ્થિતિમાં હવે ભાજપ મોવડી મંડળ રુપાલા જેવા દિગ્ગજ અને સિનિયર મોસ્ટ નેતાની ટિકિટ કાપી નાંખવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાની અટકળો ચાલી રહી છે. જોકે, આ અટકળોમાં રુપાલાને બદલીને કુંડારિયાને ટિકિટ આપવાનું પણ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે.
ભાજપ સૂત્રો કહી રહ્યા છે રુપાલાનો વિરોધ ભાજપની ભીતરેથી ઉઠ્યો છે કે ભાજપ સિવાયના પરિબળો પણ રુપાલાના વિરોધમાં સામેલ છે તે અંગે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કેટલાક નેતાઓ હાઈકમાન્ડના રડાર પર આવી ગયા છે અને તેમના પર પણ ટૂંક સમયમાં ગાજ પડી શકે છે તેવા વર્તારા દેખાઈ રહ્યા છે.