હાલ હાર્દિક પટેલ ચર્ચાનો વિષય બની ગયો છે. થોડા દિવસ પહેલા જ મિત્ર સાથે તેનાં લગ્ન થયા હતાં અને ગઇકાલે મધ્યપ્રદેશનાં ટોલનાકાનાં સ્ટાફ સાથે તેની ઝપાઝપી થઇ ગઇ. હાર્દિક પટેલ મધ્યપ્રદેશનાં ધાર જિલ્લા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં હાર્દિક પટેલ અને તેના ડ્રાઇવરને ટોલનાકા પર ટોલની રકમ ચૂકવવા મુદ્દે બોલાચાલી થઇ હતી.
આ મામલાની માહિતી પ્રમાણે ઇન્દોર-અમદાવાદ હાઈવે પર જૂનાપાની (દત્તીગાંવ) ટોલનાકા પર હાર્દિકની બબાલ થઇ હતી. ત્યાંનાં કર્મચારી સીતારામે જણાવ્યા પ્રમાણે હાર્દિકના ડ્રાઈવરે ટોલ આપવાની ના પાડી દીધી હતી. હાર્દિકે રોફમાં કહ્યું હતું કે, ‘આ હાર્દિક પટેલની ગાડી છે, તેના પર ટોલ નથી લાગતો.’
આ અંગે સીતારામે કાર્ડ માગતા ડ્રાઇવરે પણ તેની સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન હાર્દિક તેની ગાડીમાંથી ઉતર્યો અને ટોલકર્મીઓ સાથે બબાલ કરી હતી. ત્યાર બાદ ગાડી આગળ ચલાવવામાં એક કર્મચારીના પગ પર કાર ચઢાવી દીધી હતી. દરમિયાન, બનાવની જાણ થતાં રાજગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં હાર્દિકની કાર નીકળી ચૂકી હતી. આ અંગે પોલીસના કહેવા મુજબ સીસીટીવી ફૂટેજના આધારે જ હકીકતમાં શું બન્યું હતું તે જાણી શકાશે.
આ આખી બાબતમાં જોવાનું તે રહ્યું કે હવે પોલીસ સીસીટીવી ફૂટેજનાં આધારે આ કાર્યવાહી કરે છે કે પછી હાર્દિકનાં નામથી જ ફરિયાદને બંધ કરી દે છે.