કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ છેલ્લા 20 દિવસોથી લાપતા છે. હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલનો આરોપ છે કે, ગુજરાત વહીવટી તંત્ર હાર્દિક પટેલને ટાર્ગેટ કરી રહ્યું છે. કિંજલે આ અંગે જાણકારી આપતા સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જણાવી રહી છે કે, હાર્દિક પટેલ છેલ્લા 20 દિવસોથી ગુમ છે અને તે ક્યાં છે? તેના વિશે અમે કશું જ જાણતા નથી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કિંજલે જણાવ્યું કે, હાર્દિક પટેલ 24 જાન્યુઆરીથી ગુમ છે અને 8 જાન્યુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી. કિંજલે જણાવ્યું કે, જેલથી છૂટ્યા બાદ હાર્દિકે ટ્વીટર પર ટ્વીટ કર્યું, પરંતુ પરિવારમાંથી કોઈનો પણ સંપર્ક નથી કર્યો.
કિંજલનો આરોપ છે કે, હાર્દિક પટેલના ગુમ થવા પાછળ ગુજરાત સરકાર અને પોલીસનો જ હાથ છે. સરકાર હવે અમારા પરિવારને પરેશાન કરી રહી છે. મારા પતિને અનેક કેસોમાં જેલમાં ધકેલવામાં આવ્યા. જ્યારે તે એક કેસમાં જેલમાંથી છૂટે, તે પછી ફરીથી અન્ય કેસમાં તેમને જેલમાં ધકેલવામાં આવે છે. શું તમને નથી લાગતુ કે આ અત્યાચાર છે? આ સાથે જ કિંજલે પોલીસ પર પણ સવાલ ઉઠાવતા જણાવ્યું કે, પોલીસ ગમે તે સમયે તેમના ઘરે આવે છે. આ સાથે જ તેમણે હાર્દિક પટેલનો જીવ જોખમમાં હોવાનું જણાવ્યું છે.