શું ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે? આજે જ આ પ્રશ્નનો જવાબ મળી શકે છે. કેમ કે, જામનગરમાં આફ્રિકાથી પરત ફરેલા પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે આ દર્દીને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે, જ્યાં 10,000થી વધુ સક્રિય કેસ છે. દેશના 55 ટકા કેસ આ બે રાજ્યોમાં નોંધાયા છે. કર્ણાટકમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી હતી.
ઉલ્લેખનિય છે કે, વિશ્વ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી ચિંતિત છે. હવે આ વેરિઅન્ટ ભારતમાં પણ પહોંચી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. તેમાંથી એક ભારતીય નાગરિક છે અને બીજો દક્ષિણ આફ્રિકાનો છે.
દેશમાં ઓમિક્રોનના દસ્તક પછી ઘણા રાજ્યોમાં હલચલ વધી ગઈ છે અને સાવચેતીના પગલાં સતત લેવામાં આવી રહ્યા છે. કોરોનાનું નવું વેરિઅન્ટ તદ્દન ચેપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેથી દરેકે સાવચેત રહેવાની જરૂર છે. તેવામાં ગુજરાતમાં પણ દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલો પ્રવાસી કોવિડ-19થી સંક્રમિત હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે.