કોરોના વાયરસને કારણે ચાઇનામાં રહેતા અને અભ્યાસ માટે ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ શક્ય એટલી ઝડપથી પરત આવી રહ્યા છે. અત્યારસુધીમાં કુલ 64 મુસાફરો ગુજરાત પહોંચ્યા છે. આ તમામ મુસાફરોની તબિયત સ્થિર છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે કે, 15 જાન્યુઆરી બાદ ચીનથી ગુજરાત આવેલા તમામ મુસાફરોનું ફરીથી મોનિટરિંગ કરવા આવે. જેથી ચીનના વુહાનથી આવેલા તમામ પ્રવાસીઓનું સેમ્પલ લેવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાઈરસને ‘‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન’’ જાહેર કરી છે, ત્યારે ચીનથી પરત ફરી રહેલા નાગરિકોને તમામ પ્રકારની આરોગ્ય સારવાર પૂરી પાડવા ગુજરાત સરકાર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં નોવેલ કોરેનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી માટે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી.
