બંગાળની ખાડીમાં ફરી લૉ પ્રેશર સર્જાતા આગામી 3 દિવસ ભારે વરસાદની આ સ્થિતિ સર્જાઇ છે. ભારતીય હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં મોનસૂનની દિશા ઉત્તર- પશ્ચિમ તરફ વળી હોવાનું જણાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચમાંથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ મુજબ શનિવારે સુરત, નવસારી, વલસાડ જ્યારે રવિવારે આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર ,બોટાદ,વડોદરા, ભરૂચ સુરત પોરબંદર દ્વારકા કચ્છમાં ભારે વરસાદનો વર્તારો છે. ઉપરાંત સોમવારે રાજકોટ જુનાગઢ પોરબંદર મોરબી દ્વારકા બનાસકાંઠા આણંદ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતભરમાં વ્યાપક વરસાદ
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાતના ઘણા જીલ્લામાં ભારે તથા ઝરમર વરસાદ વરસ્યો છે. સાથે વ્યાપક વરસાદને કારણે ધરતીપુત્રો ખુશ છે. રાજ્યના જળાશયો, ડેમ, નદી નાળા સહિત કોતરોમાં ભારે વરસાદને પગલે જળસ્તર વધ્યું છે. રાજ્યના 95 ટકા ડેમ લગભગ છલકાઇ ગયા છે.
નર્મદા ડેમની સપાટી 131.01 મીટરે
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 131.01 મીટરને પાર થઈ છે. જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા શુક્રવારે ખોલી દેવાયા હતા. છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 80 સે.મી.નો વધારો નોંધાયો છે. ગત વર્ષે ડેમ પર ગેટ લાગ્યા ત્યારબાદ રાજ્યમાં પહેલી વાર ઑવરફ્લોનો નજારો જોવા મળ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 તાલુકાઓમાં 2થી સાડા 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાત્રી દરમિયાન સુરતના ચોર્યાસી, કામરેજમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ગતિ ધીમી પડી શકે છે. અલબત્ત ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જ્યાં અત્યાર સુધી સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે. ત્યાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદ બાદ વરસાદનો જોર ઘટી શકે છે.