અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને કારણે ગુજરાતનાં વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યનાં અનેક જિલ્લાઓના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લાં 5 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી જશે.
હવામાન વિભાગનાં ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે “રાજ્યમાં વરસાદને લઇને આગામી 5 દિવસ સુધી ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, “અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે સમગ્ર રાજ્ય પર તેની અસર જોવા મળશે અને અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. હાલમાં ઉનાળાની ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે બીજી બાજુ વાદળછાયાં વાતાવરણ બાદ પણ બફારો પડતા લોકો ઉકળાટથી અકળાઇ ગયા છે.”