Gujarat Bjp :દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ જવાની ઘડીઓ ગણાઈ રહી છે. આજકાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાની ફેશન ચાલી રહી છે. બે-ચાર દિવસ થતાં નથી કે બે-પાંચ કોંગ્રેસીઓ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી રહ્યા છે. ભાજપ એવી લોકસભા સીટ પર કોંગ્રેસ કે આપના નેતાઓને ભાજપમાં ભેળવી રહી છે જ્યાં ભાજપને જીતવા માટે કોઈકને કોઈક આશંકા છે. હવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ચૈતર વસાવા નહીં તો ભૂપત ભાયાણીને ભાજપમાં ખેંચી જવાયા છે અથવા તો તેઓ જાતે ભાજપમાં જતા રહ્યા છે.ખાસ કરીને ભાજપે આદિવાસી પટ્ટી અને ગામડાઓમાંથી કોંગ્રેસને તોડવાનું કામ કર્યું છે. આ ઉપરાંત ક્યાંક ને ક્યાંક ભાજપને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ઘરને મજબૂત કરવાની પણ ફિકર છે. આનાં કારણે ભાજપે કોંગ્રેસીઓને સાગમટે ભાજપમાં સામેલ કરવાની મેરેથોન કવાયત હાથ ધરી છે. 26 બેઠકો પર સીધી રીતે ભાજપનો વન સાઈડ વિજય દેખાય છે.
ભાજપ દ્વારા ગુજરાતને કોંગ્રેસ મૂક્ત કરવાનો પણ આ એક અભિક્રમ માની શકાય છે. પણ મૂળ પ્રશ્ન એ છે કે શું ભાજપમાં આવી રહેલા કોંગ્રેસીઓથી ભાજપને ચૂંટણીમાં કે સંગઠનમાં કોઈ નાનો કે મોટો ફાયદો થઈ શકે છે? જે લોકો પોતાની પાર્ટીનો કશો ભલો કરી કરી શક્યા નથી તેવા લોકોને ભાજપનાં જ સિનિયર અને વરિષ્ઠ નેતાના માથે ઠોકી બેસાડવામાં આવી રહ્યા હોવાથી કચવાટ છે પણ હાઈકમાન્ડની સખ્તાઈના કારણે કશું પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.
ગુજરાતભરમાં મોટા પ્રમાણમાં પેજ સમિતિ અને પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવે છે. માઈક્રોલેવલે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જે કોઈ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં ગયા અને પેટાચૂંટણી આવી તેમાં કોંગ્રેસે સીટો ગુમાવી છે અને ભાજપને દેખીતી રીતે ફાયદો જ થયો છે. હવે સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓથી ભાજપને કેટલો ફાયદો થશે એ તો આવનાર સમય જ કહી શકે એમ છે.કોંગ્રેસીઓને સામેલ કરવા પાછળ ભાજપની ગણતરી એવી પણ હોઈ શકે છે કોંગ્રેસ જે-તે લોકસભામાં જરા સરખીપણ સક્ષમ કે લડવા લાયક સ્થિતિમાં છે ત્યાં કોંગ્રેસને કોંગ્રેસના જ નેતાઓનાં હાથે કમજોર કરી ભાજપને મજબૂત કરી એવી સીટોને પણ હાંસલ કરવામાં આવે અને જે નેતાઓ થોડી ઘણી પકડ ધરાવે છે તો એનો લાભ ભાજપને મળે. પરંતુ રાજકીય ગણતરીબાજો કહી રહ્યા છે કે કોંગ્રેસમાં વર્ષોથી પેંઘા થયેલા નેતાઓ જ ભાજપમાં જઈ રહ્યા છે. કોંગ્રેસમાં નવી જનરેશનને આનાથી નવી તકો મળશે અને નવી નેતાગીરી ઉભી થશે.

ભાજપમાં જતા નેતાઓથી કોંગ્રેસની નવી જનરેશન માટે રાજકીય રીતે પ્રમોશન મેળવવાની તકો ઉભી થઈ રહી છે અને કોંગ્રેસીઓ માને છે કે આનાથી થોડું ઘણું નુકશાન થશે પણ નવી નેતાગીરી ઉભી થશે અને કોંગ્રેસની સ્થિતિમાં વિશેષ કોઈ ફરક પડવાનો નથી.ભાજપ પ્રમુખ સીઆર પાટીલે દરેક લોકસભાને પાંચ લાખની લીડથ જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આવામાં નેતાઓ સહિત ધારાસભ્યો, સાંસદો અને પૂર્વ નેતાઓનું પણ પાણી માપવાનું માપદંડ નક્કી કરાયું છે તો વિપક્ષ કોંગ્રેસ અને આપને જીતવા કરતાં પાંચ લાખની લીડના સમીકરણોમાં ભેરવીને ભાજપની જીતને અંકે કરવા આવી રીતનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હોવાનું માની શકાય છે. જે હોય તે, ગુજરાતમાં પાછલી બે લોકસભાનાં આંકડા જોઈએ તો ભાજપની સામે કોઈ ટકી શકે એમ નથી તો પછી આપ કે કોંગ્રેસમાંથી ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરોને ભગવી પાર્ટીમાં ખેંચી જવાના અભિક્રમનો તાયફો કરવાની આવશ્યક્તા કેટલી છે? તે પ્રશ્ન જરુરથી પૂછાઈ રહ્યો છે.