Illegal immigrants arrested in Rajkot : ઘૂસણખોરી વિરુદ્ધ કડક પગલાં: રાજકોટમાંથી ઝડપાયા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો
Illegal immigrants arrested in Rajkot: રાજકોટ શહેરમાંથી પકડાયેલા વિદેશી નાગરિકોની સંખ્યા વધતી જાય છે. તાજેતરમાં જિલ્લામાંથી કુલ 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે ઝડપાયા છે. પોલીસે તમામની ધરપકડ કરી તેમની પુછપરછ શરૂ કરી છે અને બાદમાં તેમને ડિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગેરકાયદે વસવાટ:
મળતી વિગતો મુજબ, પકડાયેલા પાકિસ્તાની નાગરિકો વર્ષો પહેલા ભારતમાં આવ્યા બાદ પુનઃ પોતાના દેશ પરત ફર્યા નહોતા. તેઓએ દોઢથી બે દાયકાથી વધુ સમય સુધી રાજકોટમાં ગેરકાયદે નિવાસ કરેલો હોવાનું ખુલ્યું છે. પાકિસ્તાની નાગરિકોમાંથી એક નાબાલગ હોવાની માહિતી પણ સામે આવી છે. પોલીસને ભારતીય ચૂંટણી ઓળખપત્ર જેવી દસ્તાવેજી વસ્તુઓ પણ મળી આવી છે, જેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટના વિવિધ વિસ્તારોમાં કામગીરી:
પોલીસે શહેરના ભગવતીપરા, રામનાથપરા, મોરબી રોડ અને જંગલેશ્વર જેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી, જ્યાંથી કુલ 6 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. અત્યારસુધીમાં રાજકોટમાંથી કુલ 21 બાંગ્લાદેશીઓ પકડાઇ ચૂક્યા છે.
બાતમીના આધારે એલસીબીની કાર્યવાહી:
રાજ્યમાં ઘૂસણખોરીના મામલાને લઈ રાજ્ય સરકારે કડક દિશાનિર્દેશ આપ્યા બાદ જિલ્લાની ગ્રામ્ય પોલીસ, એસઓજી અને એલસીબી ટીમોએ સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે લોધીકા તાલુકામાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી ચાર પાકિસ્તાની નાગરિકો ઝડપાયા.
પૂછપરછ બાદ કરશે ડિપોર્ટ:
પોલીસ તમામ વિદેશી નાગરિકોની યોગ્ય રીતે ઓળખ અને રહેઠાણ સંબંધિત વિગતો એકઠી કરી રહી છે. તેમની પુષ્ટિ થયા બાદ ધારાધોરણ મુજબ તેમના દેશમાં પરત મોકલવાની (ડિપોર્ટ) કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમ્યાન વધુ મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે.