મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરએ આઠ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યૂનો અમલ કરાશે. અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કર્ફ્યૂ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. આ રાત્રી કર્ફ્યૂ 10 જુલાઇના રાત્રે 10 કલાકથી 20 જુલાઇના સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી આ આઠ મહાનગરોમાં રહેશે. વિજય રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રી કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 9.00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ 31 જુલાઇ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.
રેસ્ટોરેન્ટ્સ રાત્રીના 9 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રીના 12 કલાક સુધી ચાલુ રાખી શકશે. જીમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રીના 9 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજુરી રહેશે.તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ/ટ્યૂશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.