જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવાના કિસ્સાઓમાં ભારત સરકારના ‘ધી પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપટી એકટ-1984’ની જોગવાઇ મુજબ 10 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. એટલું જ નહીં ગુજરાતમાં વર્ષ-2018 દરમિયાન આ કાયદા હેઠળ 25 ગુના નોંધવામાં આવ્યા છે. રાજયમાં આ કાયદાનું અસરકારક અમલીકરણ થઇ રહ્યુ છે, એમ ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
ગુજરાત જાહેર સંપત્તિને થતું નુકસાન અને તોડફોડ અટકાવવા બાબતના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના બિન સરકારી વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિધેયકમાં રજૂ કરાયેલી જોગવાઇ કરતાં પણ વર્તમાનમાં અમલી કાયદામાં સજાની જોગવાઇ વધુ કડક છે. તેમણે જણાવ્યું હતું કે, જાહેર સંપત્તિને નુકશાન કરે તો પાંચ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે.
પાણી, લાઇટ, અગત્યના ઓઇલ-પેટ્રોલ ઇન્સ્ટોલેશન,બિલ્ડીંગ, ગટર, ખાણ, ફેકટરી, જાહેર પરિવહન, ટેલિકોમ્યુનિકેશન્સના સ્ટ્રકચરને નુકશાન પહોંચાડવાના કિસ્સાઓમાં ઓછામાં ઓછી 6 માસની અને સધુમાં વધુ પાંચ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. જયારે જાહેર મિલકતને સળગાવી દેવાના અથવા વિસ્ફોટોથી નુકશાન પંહોચાડવાના કિસ્સામાં ઓછામાં ઓછામાં ઓછી 1 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ પ્રકારના ગુના કરતાં પકડાયેલા આરોપી કસ્ટડીમાં હોય તો પ્રોસીકયુશનને રજૂઆતની તક આપ્યા સિવાય તેના જામીન પણ મંજૂર કરી શકાતા નથી.
રાજયમાં હાલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજય સરકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી અને શાંતિ અને સલામતીની જાળવણી માટે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છે. પોલીસની સતર્કતા અને આગોતરા આયોજનને પરિણામે 2018ના વર્ષમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને અસર કરે તેવા કોમી હિંસા કે વર્ગ વિગ્રહ, જૂથ અથડામણોના કોઇ નોંધપાત્ર બનાવો બન્યા નથી.