ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ અમલમાં છે. રાજ્યની પોલીસે લોકડાઉન ખુલતાની સાથે જ છેલ્લા 14 દિવસમાં 3 કરોડથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂ અને અન્ય મુદ્દામાલની કિંમત 10 કરોડથી પણ વધારે થાય છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉન ખુલ્યાના બે દિવસ પહેલા આખા રાજ્યમાં લિકર ડ્રાઇવ શરૂ કરી હતી. 29 મેથી 12 જૂન સુધી ચાલેલી આ ડ્રાઇવમાં રાજ્યની પોલીસે કુલ 10 કરોડથી પણ વધારે કિંમતનો દારૂ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ કિંમત રૂપિયા 2 કરોડ 95 લાખ 74 હજાર 410નો દારૂ અને તેની સાથે કબ્જે કરવામાં આવેલો 9 કરોડ 46 લાખ 10 હજાર 831 કિંમતનો મુદ્દામાલ પકડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની હેરફેરના કુલ 817 કેસો કર્યા હતા અને 716 આરોપીઓને પકડ્યા હતા. જેમાંથી 202 ગણનાપાત્ર કેસો હતા.
તેવી જ રીતે દેશી દારૂના 12 હજાર 335 કેસો કર્યા હતા અને 7 હજાર 645 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. પોલીસે 13 લાખ 64 હજાર 884ની કિંમતનો દેશી દારૂ પકડ્યો હતો. 65 લાખ 62 હજાર 266ની કિંમતનો મુદ્દામાલ પકડ્યો હતો. સમગ્ર રાજ્યમાં ચાલેલી ડ્રાઇવમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 70 કેસ થયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં દેશી દારૂના 682 કેસો કરવામાં આવ્યા હતા.