અગાઉ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહ અને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ બાદ હવે રામનાથ કોવિંદ દાનહ અને દમણની મુલાકાત લેશે. તેઓની મુલાકાત દાનહ અને દમણમાં યાદગાર રહી જાય એ માટેની તૈયારીઓ પુરજોશમાં કરાઈ રહી છે. રાષ્ટ્રપતિ 18મી ફેબ્રુઆરીએ સેલવાસ પહોંચશે. ત્યારબાદ નાગરિક અભિનંદન કાર્યક્રમમાં ભાગ લઈ બીજા દિવસે 19મી ફેબ્રુઆરીએ દમણ પધારશે. જ્યાં દમણમાં નવનિર્મિત મુંબઇના મરીન ડ્રાઈવ જેવા જ બનેલા મોટી દમણ જમપોર દરિયા કિનારાથી લઈ લાઈટ હાઉસનાં સી-ફેસ રોડની સાથે અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ કરશે.
તેમના સન્માનમાં કોઈ ઉણપ રહી ન જાય એ માટે દાનહ અને દમણ પ્રશાસનિક વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ યુધ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. જેમાં પ્રદેશનાં વિવિધ મુખ્ય રસ્તાઓનું નવીનીકરણ, આસપાસનાં વિસ્તારોનું સ્વચ્છતાની સાથે સૌંદર્યકરણ જેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ સાથે જ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજીત રાષ્ટ્રપતિના કાર્યક્રમને પગલે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ડેપ્યુટી કલેક્ટરથી લઈ ઉચ્ચ હોદ્દાના અન્ય અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જરૂરી નિરિક્ષણ કાર્યને હાથ ધરવાનું શરૂ કર્યું છે. ત્યારે રાષ્ટ્રપતિની મુલાકાત દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને સુરક્ષા વ્યવસ્થા પણ જળવાઈ રહે એ માટે સેલવાસ અને દમણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.