Daman: 2003ની એક ગોઝારી બપોર હતી. આજથી બરાબર 20 વર્ષ પહેલાં દમણનો પુલ પત્તાના મહેલની માફક તૂટી ગયો હતો. 28 બાળકો પળવારમાં કાળનો કોળિયો બની ગયા હતા. આ ઘટનામાં નાના નાના વિદ્યાર્થીઓ સહિત કુલ 30 લોકો મોતનાં ખપ્પરમાં હોમાયા હતા.
20 વર્ષ પહેલાનો ખેલ આજે પણ ચાલે છે. સુરત, મોરબી વડોદરા કે રાજકોટ હોય,
દરેક જગ્યાએ મોતના સોદાગરોનો અજગરી ભરડો છે. દરેક વખતે જાડા નરને શોધી કાઢવામાં આવે છે અને મોટા મગરમચ્છો આરામથી બચી જાય છે. કોર્ટ પ્રકરણો થાય છે, લાંબી કાયદાકીય લડતમાં ગુનેગારોને સજા પણ થાય છે પરંતુ જેમનાં માસુમો અકાળે મૃત્યુની ગર્તામાં ધકેલાઈ ગયા છે તેમનો આખરે શું વાંક હતો? વાંક એટલો હતો કે જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે તેઓ ત્યાં હતા અને મૃત્યુની અસીમ નિંદ્રામાં પહોંચી ગયા.
તમને યાદ હશે કે 2003માં 28 ઓગસ્ટની એ ગોઝારી બપોર જ્યારે નાની અને મોટી દમણને જોડતો નદીનો બ્રિજ તૂટી પડ્યો હતો ચિત્કાર અને અસહ્ય વેદનાનો સિલસિલો સતતને સતત ચાલુ છે. ક્યાક ફૂલોને સળગાવી દેવામાં આવી રહ્યા છે તો ક્યાં પતંગીયાઓને પાણીમાં ડૂબાડી દેવામાં આવી રહ્યા છે. આખાય બાગને વેરાન બનાવી દેવામાં આવી રહ્યો છે. કોઈકની માતાનો ખોળો સાવ ખાલીખમ થઈ ગયો તો કોઈક પિતાનો વહાલસોય મોતની સોડમાં સૂઈ ગયો પણ હાય રે, નિષ્ઠુરતા તેનું પેટનું પાણી પણ હાલ્યું નથી, નવા સરનામે, નવા નામ સાથે દુર્ઘટના અને હોનારતો નવી નવી કાળોતરી લઈને ત્રાટકી રહી છે.ચીસો અને પીડા પર રાજકારણ રમાય છે. અધિકારીઓની જાડી ચામડી પર એક ખરોચ પણ આવતી નથી.
એ સમયે ટ્યુશન ક્લાસીસ બંધ કરાયા હતા, હવે ગેમ ઝોન બંધ કરાયા.
એ વખતે ચીસોથી આકાશ પણ કંપી ગયું હતું પણ આજે ચીસો સળગીને કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. એ સમયે મમ્મી-પપ્પા સળગી ગયેલા શરીરોને ઓળખી શક્યા હતા, જ્યારે આજે મમ્મી-પપ્પાએ પોતાના વહાલસોયા માસુમની અસ્થિઓ એકત્ર કરવાનું પણ મળ્યું નહી. એ સમયે ટ્યુશન ક્લાસનાં સંચાલકો પાસે ફાયરનું NOC સુદ્વા ન હતું, પણ ગેમ ઝોનનાં સંચાલકો પાસે પણ ફાયરનું NOC નથી ! એ સમયે પણ કહેવાયુ હતું કે, “અમે ગુનેગારોને નહીં છોડીએ !”-આજે પણ કહેવાયું છે, “અમે ગુનેગારોને નહીં છોડીએ !” એ સમયે સળગી ગયેલા, ત્રીજા માળેથી ટપોટપ કૂદતા છોકરાઓને જોઇ દરેકના કાળજા કંપી ગયેલા જ્યારેઆજે ગેમ ઝોનમાં સળગીને પોટલું થઇ ગયેલા શરીરોને જોઇ આપણે પણ અંદરથી પીડાની આગમાં સળઘી ગયા છીએ.
કશું બદલાયું નથી-કશું બદલાવાનું નથી ! નિયમો પળાવનારા પણ નહીં બદલાય અને નિયમો નહીં પાળનારા પણ નહીં બદલાય ! બદલાશે માત્ર લાશો, આંસુ સારતી આંખો અને નનામી ઉંચકનારા ખભાઓ ! અધિકારીઓ નમાલા જ રહેવાના છે અને સિસ્ટમ પણ બદલાવાની નથી. રોક્કળ કરતા રહીશું બૂમાબૂમ કરતા રહીશું પણ નિષ્ઠુરતાનો કોઈ અંત દેખાતો નથી.
કદી સુરત તક્ષશિલા, કદી દમણનો પુલ, કદી વડોદરાની હોડી હોનારત, તો કદી રાજકોટના ગેંમઝોનનું અગ્નિકાંડ. બસ આંખમાંથી સળગતા આંસુઓ પર જરા અમથા અમી છાંટણા કરનાર કોઈ માઈનો લાલ જડી આવતો નથી.
તંત્રને જે કરવું હોય એ કરે-આંખ આડા કાન કરી, ચૂપ રહી, ઓબ્જેક્ટ માય લોર્ડ-એવું બોલવાનું ટાળી એ લોકો ભલે આપણાં જીવનો સોદો કરી નાંખે-પણ એક ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપણે પણ આપીએ !
રેસ્ટોરન્ટ, હોટલ, ક્લબ, ગેમ ઝોન, મોલ, ટ્યુશન ક્લાસ, જીમ, હોસ્પિટલ- જ્યાં જઇએ ત્યાં પૂછવાનું શરૂ કરીએ, “ફાયરનું NOC-નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે?” જો નહીં હોય તો ત્યાં જવાનું બંધ કરી દઇએ, જે જતા હોય એમને પણ રોકીએ! મોલવાળા, જીમવાળા, રેસ્ટોરન્ટવાળા, ટ્યુશનવાળા, હોસ્પિટલવાળા-એ બધાની અંદર જો એમનું “ઇમાન” જીવતું હોય તો એ લોકો પણ બધા જોઇ શકે એ રીતે ફાયરનાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટને દિવાલ પર લગાડવાનું શરૂ કરે !
આપણો જન્મ આગમાં સળગી જવા, ભીડમાં કચડાઇ જવા, પાણીમાં ડૂબી જવા તો નથી જ થયો ! એ લોકોને અન્ડર ટેબલ વ્યવહારો કરવા હોય તો કરવા દો-આપણે માણસ ટુ માણસ ખોટું નહીં ચલાવી લેવાનો એક અંડર કરંટ પાસ કરીએ !
સુરતની આગ બુઝાઇ ગઇ-મોરબીનું પાણી સુકાઇ ગયું એમ રાજકોટની આગ પણ ઠરી જશે-ચિતાઓ ઠરી જાય એવી રીતે ! આપણે ભૂલી જવાની, ચલાવી લેવાની, ચૂપ રહેવાની, આપણને શું ફર્ક પડે-એવું વિચારી લેવાની આપણી આદત બદલીએ ! આપણી અંદર ઠરી જતા ભડકાને સતત સળગતો રાખીએ – એક દિવાસળી ગજવે રાખીએ !!
આ સ્થિતિને બદલવા માટે ગુજરાતીઓ જાતે જ કમરસવી પડશે. અધિકારી રાજનું નખ્ખોદ વાળવા માટે મોટાપાયા પર વ્યસ્થાતંત્રમાં જડમૂળમાંથી ક્રાંતિકારી ફેરફારો કરવા પડશે નહિંતર આવી ઘટનાઓ વણથંભી રફતાર સાથે અવિરતપણે કાળક્રમે બનતી રહેશે.