ગુજરાતના બે નામી ગ્રુપ્સ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નામણિ મેટલ્સ કંપની પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે અમદાવાદમાં એકસાથે 25 જગ્યાઓએ રેડ પાડ્યાના સમાચાર મળી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા અનેક શહેરોમાં તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગે 40 કરતા પણ વધારે સ્થળોએ છાપો માર્યો છે.
આવકવેરા વિભાગના અધિકારીઓએ મંગળવારે સવારથી જ આ બંને કંપનીઓ પર દરોડા પાડ્યા છે. એસ્ટ્રલ પાઈપ્સના ચેરમેન સંદિપ એન્જિનિયરના ઘરે પણ તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત રત્નામણિ મેટલ્સના ચેરમેન પ્રકાશ સંઘવીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ બંને કંપનીના અન્ય ડાયરેક્ટર્સના ઘરો ઉપર પણ રેડ પાડવામાં આવી છે.
મળી રહેલી માહિતી અનુસાર, આવકવેરા વિભાગે ગુજરાત સિવાય અન્ય 15 સ્થળોએ સર્વે અને સર્ચની કામગીરી હાથ ધરી છે. આવકવેરા વિભાગના 150 કરતા પણ વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આ દરોડામાં મોટા પાયે બેનામી સંપત્તિ મળવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.