મેડિકલ ક્ષેત્રે મોંઘી થઈ રહેલી સારવાર સામે ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવાર માટે સંકટ સમયની સાંકળ સમાન મા – મા વાત્સલ્યકાર્ડ ધાકરોને કેન્દ્રની આયુષમાન ભારત પ્રધાન મંત્રી, જન આરોગ્ય યોજનામાં સમાવિષ્ઠ કરવા માટે રાજય સરકારે કેન્દ્રમાં દરખાસ્ત મુકી છે. આયુષમાન ભારત યોજના હેઠળ રૂ. 5 લાખની મર્યાદામાં ફ્રી ટ્રીટમેન્ટ મળશે તેવી રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે વડોદરા ખાતે ઘોષણાં કરી હતી.આ યોજનાથી રાજયના 2.44 કરોડ લાભાર્થીઓને ફાયદો થશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રીવેદી ફેન કલબ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથિ નીમીતે ભાવાંજલી રૂપે યોજાયેલા કાર્યક્રમમાં 4,400 લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કર્યું હતુ. આ પ્રસંગે નીતીન પટેલે જણાવ્યુ હતુ કે મા કાર્ડ ધારકને ખાનગી હોસ્પીટલમાં રૂ. 3 લાખની મર્યાદા સુધી વિનામૂલ્યે ટ્રીટમેન્ટ કરાવી શકે છે. પરંતુ હવે આયુષમાન ભારત યોજના હેઠળ રૂ. 5 લાખની મર્યાદામાં ફ્રી ટ્રીટમેન્ટ મળશે . મેડિકલ ટ્રીટમેન્ટની મર્યાદા રૂ. 3 લાખ થી વધીને 5 લાખ કરાતાં લોકોનું બજેટ પુરાંતમાં આવશે. જેનો સીધો લાભ રાજયના 2.44 કરોડ લાભાર્થીઓને મળશે.
રાજયના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રીવેદીએ ભાર પૂર્વક જણાવ્યુ હતુ કે, રાવપુરા બેઠક મત વિસ્તારમાં 10,400 લાભાર્થીઓને કાર્ડ ફાળવાયેલા છે. એક જ વિધાનસભામાં સમગ્ર રાજયમાં સૌથી વધુ મા કાર્ડ આપવાનો વિક્રમ પણ રાવપુરાના નામે જ છે.