Gujarat ભરુચ લોકસભા માટે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા બાદ ભરુચના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. બરુચ લોકસભા માટે ચૈતર વસાવા પર કેજરીવાલે રમેલો દાવ સફળ થશે એ પ્રશ્ન મહત્વનો બની રહ્યો છે. આ લોકસભા સીટ હવે કોંગ્રેસનો ગઢ રહી નથી પણ ભાજપનો ગઢ બની ગઈ છે. વાસ્તે, ચૈતર વસાવા આપના વિનિંગ કેન્ડીડેટ છે કે કેમ તેની પણ ચર્ચા થઈ રહી છે.
અહેમદ પટેલ ચાર વખત જીત્યા
કોંગ્રેસના ચાણક્ય તરીકે ઓળખાતા અહેમદ પટેલ ભરુચ લોકસભામાંથી ચાર વખત જીત્યા હતા. 1977 થી 1984 સુધી અહેમદ પટેલ ભરુચના સાંસદ રહ્યા. બાદમાં તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણમાં કાઠું કાઢ્યું હતું. ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી સુધી તેઓ મરણાંત સુધી ગાંધી પરિવારના વફાદાર રહ્યા. પરંતુ 1989માં ચંદુભાઈ દેશમુખની સામે કારમી હાર પામ્યા. ભાજપના વેવમાં અહેમદ પટેલ તણાઈ ગયા હતા. 1989 બાદથી અહેમદ પટેલે ભરુચ લોકસભામાંથી લડવાની હિંમત કરી ન હતી.
1989થી ભરુચ લોકસભા ભાજપનો ગઢ બની
અહેમદ પટેલની હાર બાદ ભરુચ લોકસભામાંથી કોંગ્રેસનો એકડો જ નીકળી ગયો. કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ભરુચ લોકસભાની પીચ પર ટકી શકવામાં સફળ રહ્યો નથી. ચંદુ દેશમુખ 1989થી 1998 સુધી સાંસદ રહ્યા. તેમના અવસાન બાદ આ સીટ પર મનસુખ વસાવાને ભાજપે લડાવ્યા અને મનસુખ વસાવા પણ 1998 થી આજ પર્યંત સુધી સાંસદ છે.
સાત વિધાનસભા પૈકી 6 માં ભાજપ
ભરુચ લોકસભામાં સાત વિધાનસભા આવે છે. જેમાં ભરુચ, અંકલેશ્વર,વાગરા, જંબુસર, કરજણ, ઝઘડીયા,ડેડીયાપાડનો સમાવેશ થાય છે. ડેડીયાપાડમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા જ એક માત્ર જીત્યા છે જ્યારે 6 બેઠકો ભાજપ પાસે છે.
2019ના પરિણામો, છોટુ વસાવાની આક્રમકતા
ગત લોકસભાની ચૂંટણીના પરિણામો અપેક્ષા મજબના જ રહ્યા છે. ભાજપે સાડા ત્રણ લાખ કરતાં વધુ મતોથી જીત હાંસલ કરી છે. મનસુખ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર શેર ખાન પઠાણને 3,34,214 વોટથી પરાજીત કર્યા હતા. જ્યારે બીટીપીના છોટુ વસાવાને 1,44,083 વોટ મળ્યા હતા. કોંગ્રેસના શેર ખાનને 3,03,581 વોટ મળ્યા હતા.
ચૈતર વસાવાનું કદ અને રાજકીય સફર
ચૈતર વસાવા મૂળભૂત રીતે છોટુ વસાવા અને તેમના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા સાથે રાજકારણમાં જોડાયા હતા. તેમણે બીટીપી સાથે લાંબા સમય સુધી રાજનીતિમાં સંઘર્ષ કર્યો હતો. ડેડીયાપાડા આદિવાસી બહુલ વિધાનસભા વિસ્તાર હોવાથી આપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી અને તેઓ જીતી ગયા. વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવા વચ્ચે તણખા પણ ઝર્યા અને ઉમેદવાર કોણ બનશે તેને લઈ પારિવારિક કલેશમાં બીટીપી અટવાઈ ગઈ. ભાજપે પુરજોર રીતે આ સીટ જીતવાનો પ્રયાસ કર્યો પણ ચૈતર વસાવાની સામે ઝીંક ઝીલવામાં ભાજપ કાચું પડ્યું અને ચૈતર વસાવા ધારાસભ્ય બની ગયા. ચૈતરની સામે કેસો થયા અને જેલમાં પણ જવું પડ્યું. તાજેતરમાંજ તેઓ જેલમાંથી જામીન પર મૂક્ત થયા પણ તેઓ નર્મદા સહિત પોતાના મત વિસ્તાર ડેડીયાપાડામાં પ્રવેશી શકતા નથી. કોર્ટે આકરી શરતો સાથે તેમને જામીન આપેલા છે.
લોકસભા માટે ચૈતર વસાવાની જીતની કેટલી ગેરંટી?
લોકસભા માટે ચૈતર વસાવાને કેજરીવાલે ઉમેદવાર જાહેર કર્યા પણ પ્રશ્ન એ થાય છે કે તેમના જીત માટે કેટલા ટકા ચાન્સીસ છે. સાત વિધાનસભા પૈકી 6માં ભાજપ છે. ભાજપ દ્વારા કોઈ કસર છોડવામાં આવી રહી નથી. આદિવાસી ઉપરાંત ક્ષત્રિય અને કોળી પટેલો વોટને અંકે કરવા માટે આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યા છે. આદિવાસીઓમાં ભાજપનો પગપેસારો થયો છે અને તેના માટે હારનું દેખીતું કોઈ કારણ હાલ દેખાતું નથી.
મુસ્લિમ અને આદિવાસી વોટ પર દારોમદાર
ભરુચ લોકસભામાં આદિવાસી અને મુસ્લિમ વોટનું મહત્વ રહ્યું છે. મુસ્લિમ અને આદિવાસી વોટ ચૂંટણીમાં વહેંચાયેલા રહ્યા છે. કોઈ એક પક્ષની તરફે તેમનો ઝુકાવ રહ્યો નથી. પહેલાં એવું મનાતું હતું કે આદિવાસીઓ માત્ર કોંગ્રેસની જ વોટબેંક છે. પરંતુ અહેમદ પટેલની હાર બાદ ભરુચમાં ચંદુ દેશમુખ અને મનસુખ વસાવાએ આ મીથને તોડી નાંખ્યું છે. ખાસ કરીને ક્ષત્રિયો સીધી રીતે ભાજપની પડખે રહ્યા છે. કોળી પટેલ પણ ભાજપને સતત સાથ આપતા રહ્યા છે. મુસ્લિમ અને આદિવાસીઓના ખભા પર ચૂંટણી લડી શકાય છે પણ જીતી શકાતી નથી. ઉજળિયાતોના વોટ હાંસલ કરતા કરતાં ચૈતર વસાવા હાંફી જશે. આમ પણ નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીના કારણે લોકસભા ચૂંટણીના પ્રચારમાં તેમને ખાસ્સી મુશ્કેલી પડશે એ પાક્કું છે. આ સંજોગોમાં ચૈતર વસાવા માટે કપરા ચઢાણ છે. કેજરીવાલે મુસ્લિમ અને આદિવાસી વોટના આધારે ચૈતર વસાવા પર દાવ રમ્યો છે.
ભાજપ-આપ ગઠબંધન
એવું કહેવાય છે કે કેજરીવાલે ગુજરાતમાં ગઠબંધન માટે સૌ પ્રથમ ભરુચ લોકસભાની બેઠક પર મહોર મારી દીધી છે. ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું લોકસભામાં ગઠબંધન થાય તો અને તો જ ચૈતર વસાવા ફાઈટીંગ સિચ્યુએશનમાં આવી શકે છે. નહિંતર આ બેઠક પર ત્રિપાંખીયો નહીં પણ ચતુષ્કોઁણીય જંગ થઈ શકે છે. ભાજપ, આપ, કોંગ્રેસ અને બીટીપીના છોટુ વસાવા સહિતની પાર્ટીઓ ચૂંટણી જંગમાં ઉતરે તો ભાજપનો રસ્તો વધુ આસાન બની જશે. ભાજપ પણ ઈચ્છે છે કે કોઈક રીતે આપ અને કોંગ્રેસનું ભરુચમાં ગઠબંધન ન થાય. ગઠબંધન થાય તો પણ છોટુ વસાવા ફાચર મારવા તૈયાર બેઠાં છે.