જસદણ પેટા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ચૂંટણીને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. બે દિવસ પહેલાથી જ પેરામિલેટ્રી ફૉર્સને તૈનાત કરી દેવામાં આવી છે. ચૂંટણીને ધ્યાને રાખીને વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી ચૂંટણી દરમિયાન પૈસા અને દારૂની હેરફેર રોકી શકાય. પેરામિલેટ્રી ફૉર્સ સાથે આ ચેકિંગ શરૂ કવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન કૉંગ્રેસનાં મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતા પટેલની કારમાંથી એરગન મળી આવી છે. ઉપાધ્યક્ષની કારમાંથી એરગન મળી આવતા રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ જાહેરનામાનાં ભંગને લઇને ગીતા પટેલને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. ગીતા બેનને પોલીસ સ્ટેશને લઇ જઇને તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન કોઇપરણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ અને પોલીસ તેમજ પેરામિલેટ્રી ફૉર્સ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
આ દરમિયાન કૉંગ્રેસ મહિલા ઉપાધ્યક્ષની કારમાંથી એરગન મળી હતી. તેમની ગાડીની ડેકીમાં તૂટેલી હાલતમાં એરગન મળી આવી છે. પોલીસે પૂછપરછ કરતા ગીતેબેને જણાવ્યું કે, “વાડીએ પક્ષીઓને દૂર કરવા માટે એરગન રાખવામાં આવી હતી.” જો કે જાહેરનામાનાં ભંગ બદલ ગીતા પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.