સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે આજે વિસાવદર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ રદ કરવામાં આવતા એવો ગણગણાટ શરૂ થયો છે કે કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો ન પહોંચતા અને ખુરશીઓ ખાલી રહેતા આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપે એવો દાવો કર્યો છે કે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોડીનાર ખાતે હોવાથી તેમની સભામાં સીએમની હાજરી અનિવાર્ય હોવાથી કાર્યક્રમ રદ કરાયો છે.
ભાજપ તરફથી વિસાવદર ખાતે આજે બક્ષીપંચ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હાજર રહેવાના હતા. જોકે, કાર્યક્રમ સ્થળે માણસો એકઠા થયા ન હતા અને ખુરશીઓ ખાલી રહેતા ભાજપ પ્રમુખ કિરિટ પટેલે સીએમ હાજર નહીં રહે તેવી જાહેરાત કરી હતી. કિરિટ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બેઠક બોલાવી હોવાથી સીએમ સહિતના લોકોએ ત્યાં હાજરી આપવાની છે. આથી તેઓ બક્ષીપંચના કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં.