દિલીપ પટેલ
અમદાવાદ, 26 એપ્રિલ 2024
Krushi Mahiti: છેલ્લા કેટલાક વર્ષોમાં ડાંગના ખેડૂતો મીલેટની ખેતીમાં નામના મેળવી છે. જિલ્લામાં લગભગ 12,000 હેક્ટર મીલેટની ખેતી થાય છે.
Krushi Mahiti ડાંગની પ્રખ્યાત રાગી મીલેટ 8,500 હેક્ટરમાં ઉગે છે. ઉત્પાદન 11,755 મેટ્રિક ટન થાય છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેકટરે ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. ગુજરાતમાં નાગલી પાકનું કુલ ઉત્પાદન 20,013 મેટ્રિક ટન અને 19,235 હેક્ટરમાં વાવેતર થાય છે.
1200 લોકોની વસ્તી ધરાવતા 300 જેવા ખેડૂતોના નાના ગામની વાત છે. ડાંગના વઘઈના ચિચોડ ગામના ખેડૂતો હવે ફરીથી નાગલી મિલેટની ખેતી તરફ વળ્યા છે. કારણ કે 14 વર્ષ પહેલા તેમને જે ભાવ મળતો હતો તેના કરતાં 4 ઘણાં ભાવ નાગલીના મળવા લાગ્યા છે.
નાગલીની ખેતીની ખૂબી એ છે કે, તે ડાંગના ઢોળાવ વાળા ખેતર પર જ થાય છે. નાગલીની ખેતીનું ખર્ચ માત્ર રોપણી કરવાનું જ થાય છે. બીજું કોઈ ખર્ચ થતું નથી. તેને રાસાયણિક કે કુદરતી ખાતર આપવું પડતું નથી. તે કુદરતી રીતે થાય છે.
40 વર્ષના મહેશભાઈ સુકરભાઈ કાંડોળીયા 9638417064 પાસે 8 હેક્ટર જમીન છે. મીલેટ અતિશય વરસાદમાં અને ઓછા પાણીમાં પણ ટકી શકે છે. રાગી, બાંટવો કે નાગલી મીલેટની ખેતી લોકપ્રિય છે કારણ કે તે સારી ઉપજ આપે છે. જેની ખેતી પાછળ કોઈ ખર્ચ કરવું પડતું નથી. 100 ટકા કુદરતી ખેતી છે.
મહેશભાઈ પોતે નાગલીનો પાક માત્ર ચોમાસાનો પાક લે છે. તેઓ જૂનમાં રોપા તૈયાર કરીને વાવે છે. વરસાદ પડે એટલે નિંદામણ દૂર થાય તે રીતે જમીન ખેડીને પછી રોપણી કરે છે. રોપણી કર્યા પછી ખેતરમાં નાગલીને જોવા જવા કે બીજી કોઈ કાળજી લેવાની જરૂર પડતી નથી.
ખર્ચ વગરની ખેતી
Krushi Mahiti નાગલી એક એવો પાક છે કે જેમાં ખાતર દવા કઈ નાખવી પડતી નથી. વાવણી પછી સીધો પાક લણવા ખેડૂતો જાય છે. તેને જંતુનાશક છાંટવી પડતી નથી કે રાસાયણિક ખાતર કે દેશી ખાતર નાખવું પડતું નથી. રોગ આવે તો પણ દવા છાંટતા નથી. ઉત્પાદન ખર્ચ વધારે નથી. એક જ વખતની મજૂરી રોપાણીની થાય છે. અઢી હજારનો ખર્ચ થાય પછી કોઈ ખર્ચ થતો નથી.
લલણી
છોડ પર કંઠી બંધાય અને થોડા લાલ થાય પછી કાપીને લણી લેવામાં આવે છે. પાકી છે કે કેમ તે કણસલા ઘસીને તપાસીને પાક લણી લેવામાં આવે છે. જેને ખળામાં લાવીને તેને દાણા અલગ કરવામાં આવે છે. અથવા તેને વાંસની મુલકીમાં ભરીને મૂકી રાખે છે. એક કે બે મહિના તેને એમને એમ સાચવી શકાય છે. પછી તેના બર બળદ ફેરવીને બી કાઢવામાં આવે છે.
4 વર્ષ સાચવે છે
પંખાથી નાના દાણા અને મોટા દાણા અલગ કરવામાં આવે છે. દાણા કાઢી લીધા બાદ તેને ફરીથી વાંસની વાસકીમાં ભરી દેવામાં આવે છે. જેના પર છાણનું લીંપણ કરીને નાગલીને ઢાંકી દેવામાં આવે છે. જે 3થી 4 વર્ષ સુધી ટકી કરે છે. અનાજ ખરાબ થતું નથી. જીવાત પડતી નથી. નાગલી અનાજનો સંગ્રહ બેહદ સુરક્ષિત હોય છે. નાગલીના દાણા પર કોઇ પ્રકારના કીટકો કે ફુદાંઓ આવતા નથી. દાણા ખરાબ થતાં નથી. સારા ભાવ હોય તો વેચી દેવામાં આવે છે નહીંતર તેનો સંગ્રહ કરી રાખવામાં આવે છે.
4 ગણો ભાવ
10 વર્ષ 14 રૂપિયા કિલો વેચાતી હતી. હવે કિલોના રૂ. 56માં વેચાય છે. 4 ગણા ભાવ મળવા લાગ્યા છે. કારણ કે તેની માંગ વધી છે. જથ્થાબંધમાં 5થી 10 રૂપિયા ઓછા મળે છે. સરકારે 42 રૂપિયા ટેકાનો ભાવ ગણેલો છે પણ તેનાથી વધારે ભાવે તે વેચાય છે. શહેરના લોકો તે મંગાવવા માંગતા હોય તો ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપીએ છીએ.
ઉત્પાદન
નાગલી એક વીઘે 500થી 600 કિલો થાય છે. અહીં અનેક સખી મંડળો છે, જે નાગલી પર પ્રક્રિયા કરીને અનેક ચીજો બનાવે છે. તેનો લોટ એક કિલોના રૂ.100માં વેચે છે અને આખી નાગલી રૂ.80માં છૂટક તેઓ વેચે છે. મહિલા મંડળીઓ પાપડ બનાવીને વેચે છે. બિસ્કીટ, ચીકી કે ચક્રી બનાવે છે. શીરો બનાવવાનો રવો બનાવે છે. 3 મહિના સુધી લોટ ટકી રહે છે. સુરતમાં મેળો કરીએ ત્યાં માલ વેચાય જાય છે. આદિવાસી મહિલાઓના જૂથ મીલેટમાંથી બિસ્કિટ, પાપડ, સેવ, ચકરી અને સૂકી ભાખરી જેવા ઉત્પાદનો બનાવે છે. જેની ઘણી માંગ છે.
વિસ્તાર
હલકું ધાન્ય છે. વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરે છે. પર્વતો, ટેકરી અને ઢોળાવો પર તે થઈ શકે છે. 100થી 120 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે.
ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાંથી ભારતમાં 4 હજાર વર્ષ પહેલા લાવ્યું હતું. હિમાલય જેવા પર્વતમાં 2300 મીટર ઊંચાઈ પર નાગરી થઈ શકે છે. વિશ્વમાં 40 હજાર ચોરસ કિલોમીટરમાં વાવેતર થતું હોવાનો અંદાજ છે.ભારતમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં નાગલીનો સૌથી વધારે ઉપભોગ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં વપરાય છે.
મંડળી
સહકારી મંડળી દ્વારા વેચાણ કરે છે. મંડળીમાં 400 સભાસદ છે. ડાંગ વઘઈ તાલુકા ફાર્મર ફ્રેન્ડ એન્ડ ફાર્મર ઓર્ગેનિક કોપરેટીવ સોસાયટીના નામે આ મંડળી છે. મંડળી દ્વારા ખેડૂતોને નાગલીનું બિયારણ આપે છે. નવું બિયારણ નહીં પણ ખેતરમાં કંઠી સારી કણલસા નિકળે તેમાંથી સારા દાણા અલગ કરીને ફરીથી ખેતરમાં રોપે છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટેના પ્રમાણપત્ર અપાવવાનું કામ કરે છે.
અધિકારી
ડાંગ જિલ્લા કૃષિ અધિકારી હર્ષદ પટેલ કહે છે કે, 2022માં અહીં હેક્ટર દીઠ 1,154 કિલો રાગી મીલેટ પાકતું હતું. 8500 હેક્ટર પ્રમાણે અહીં 98 લાખ કિલો રાગી પાકે છે. દક્ષિણ ભારત પછી આ સૌથી મોટી ખેતી છે.
તાલીમ
ડાંગ જિલ્લાના 58 હજાર 822 હેક્ટર ખેતીલાયક વિસ્તાર છે. 2022 સુધીમાં 25 હજાર 131 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થતી હતી. 18 હજાર 400 ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી જોડાયા છે. 350 મુખ્ય તાલીમ આપનાર 24 હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામા આવી છે. 311 ગામોમાં ગામ દીઠ પાંચ ખેડૂતો મુજબ 1465 મોડેલ ફાર્મ છે.
ડાંગ અને વલસાડ જેવા જિલ્લામાં સૌથી વધુ ખવાતુ ધાન્ય નાગલી છે.
ઓછા પાણી, રાસાયણિક જંતુનાશકો વગર અને ખાતર વગર પાક લઈ શકાય છે.
બીજા અનાજ સામે શ્રેષ્ઠ
ફિંગર મિલેટ , રાગી અથવા બાવટો અથવા નાગલી તરીકે ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ છે. એલુસીન કોરકાના છે. ઇલ્યુસીનીન નામના નાગલીના પ્રોલેમાઇનનું સિસ્ટીન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફેનના સંદર્ભમાં ઘઉંના ગ્લાયેડીન કરતાં જૈવિક મૂલ્ય વધારે ગણાય છે. પોષણમૂલ્ય ચોખા કરતાં વધારે અને ઘઉં જેટલું છે. જવ કરતાં નાઇટ્રોજન દ્રવ્ય વધારે છે. અંકુરિત દાણાની ડાયા સ્ટેટિક પ્રક્રિયા જુવારના અંકુરિત દાણા કરતાં વધારે હોય છે. અસેચ્યુરેટેડ ચરબી પચવામાં હલકી છે. ગ્લુટીન ધરાવતુ નથી.
પોષક તત્વ
અનાજમાં એમીનો એસીડ મેથોનાઇન રહેલું હોય છે, જે વધુ પ્રમાણમાં સ્ટાર્ચ વાળા ખાદ્ય પદાર્થોમાં જોવા મળતું નથી.
100 ગ્રામમાં તત્વો ગ્રામમાં
પ્રોટીન 7.3
વસા (ચરબી) 1.3
કાર્બોહાઇડ્રેટ 72
ખનિજ 2.7
કેલ્શિયમ 3.44
રેષા 3.6
ઉર્જા 328 કિલો કેલરી
100 રોગમાં ફાયદા
રાગી કે નાગલી તરીકે ઓળખાતી આ ધાન્ય વનસ્પતિ 100 થી પણ વધારે રોગો માટે ઉપયોગી છે. નાગલી સૌથી પ્રાચીન અનાજ અને ખાવામાં આવતા અનાજમાંથી એક છે. હાડકાનો વા, ખાંસી, કોઢ, શક્તિ, ઉલ્ટી, શરદી, કફ, શ્વાસ, કબજિયાત, ડાયાબિટીસ, વા, ગાંઠો વાળો વા, એલર્જી, હ્રદય રોગ, સોજા માટે ફાયદો કરે છે. ગ્લાઈસેમીક પદાર્થ લોહીમાં સુગરના પ્રમાણને કન્ટ્રોલમાં રાખે છે. આખા વર્ષમાં ગમે ત્યારે ઉગાડી શકાય છે, એજ એની તાકાત છે.
વાત અને પિત નાશક છે. સફેદ કરતાં લાલ રંગના અનાજમાં તત્વો ઓછા છે. શરીરને રુક્ષ કરે છે. મળને બાંધે છે. તુરી મીઠી અને થોડી કડવી છે. કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબર પુષ્કળ છે. ફેટ ઓછું હોવાથી પાચનમાં હલકી છે. ટ્રીપ્ચોફેન નામનું એમિનો એસિડ હોય છે. ભૂખ લાગતી ન હોવાથી ખોરાક ઓછો ખવાય છે. પાચન ધીમુ થાય છે. એલર્જીથી પીડાતા લોકો લઈ શકે છે.
નવજાત શિશુ, અશક્ત લોકો, બીમાર માટે સારી છે. વિયેટનામમાં નાગલી બાળકના જન્મના સમયે સ્ત્રીઓને દવાના રૂપમાં આપવામાં આવે છે. લોહી વધારે છે. હાડકાના સ્વાસ્થ્ય,ચામડી, ડાયાબિટીસ તેમજ વજન ઘટાડવા માટે ઉપયોગી છે. ચામડી માટે ફાયદા કારક. કુપોષણ, ડીજનરેટિવ રોગો અને અકાળે વૃદ્ધત્વ અટકાવે છે. યકૃત વિકાર, અસ્થમાં અને હૃદય નબળાઈમાં ફાયદો કરે છે.
શાંતિ, ચિંતા, ડિપ્રેશન અને અનિંદ્રામાં ફાયદો.
ખોરાક
પૂરી, ખીર, રાબ બને છે. દાણાને આથવી તેમાંથી બિયર બનાવવામાં આવે છે. દાણામાંથી માલ્ટ બને છે.
માલ્ટ
આખી રાત પાણીમા પલાણી, બીજા દિવસે પાણી નિતારીને ફણગાવવી. સુકવીને, તેનો લોટ બનાવીને રાગી માલ્ટ બનાવી શકાય છે.
રાબરાગી
રાબરાગી બનાવવા લોટને ઘી નાખી, શેકી, ગોળનુ પાણી નાખી રાબ જેટલી જાડાઇ થાય ત્યા સુધી ઉકાળો.
ગોળપાપડી
લોટને ઘી શેકીને સેકેલો અને વાટેલો ગુંદર, બદામ, એલચી, જાયફળ, ગોળ ઉમેરીને ચોસલા પાડી લો.
પેનકેક
ગોળને દુધમાં ઓગાળી રાગી, ઘઉં, ચોખાનો લોટ એક સરખા લઈ મિશ્રણ ઉમેરી ખીરુ તૈયાર કરવુ. ખીરામા કેળાનો છુંદો અને એલચી પાવડર નાખી ગરમ કરી ખીરા ને પાથરો. બન્ને બાજુ ઘી નાખી ગુલાબી શેકી લો.
ચીલા/પુડા
લોટ, ડુંગળી, ટામેટા, મરચાં, ધાણા, જીરું અને મીઠું નાખી ખીરુ તૈયાર કરો. ગરમ કરી ખીરા ને પાથરો. બન્ને બાજુ ઘી/તેલ નાખી ધીમા તાપે ગુલાબી શેકી લો.
ગોળી
રાત્રે પાણીમાં પલાળી રાખવી. સવારે કાઢી બારીક વાટીને ગાળી લીધા પછી સત્ત્વ વાસણના તળિયે જામી જશે. ઉપરનું પાણી કાઢી સોપારી જેવડી ગોળીઓ વાળી તાપમાં સૂકવવી. ગોળીને પાણીમાં બાફી બાળકને અપાય છે. બેબી ફુડ બનાવવામાં થાય છે.
મોટી ડબલ રોટી, ઢોસા અને રોટી બને છે.
રાગી મુદ્દી
રાગી મુદ્દી બનાવવા લોટ પાણીમાં ઉકાળી ઘટ્ટ થાય તેમાં ગોળ બનાવીને ઘી લગાવીને સંભાર સાથે ખાવામાં આવે છે.
નાગલી ગામ
ગુજરાત રાજ્યના સુથારપાડા ગામમાં નાગલીની પાપડી બનાવતા મહિલા મંડળ છે. જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું ગામ છે. નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો પાકે છે. અહીંના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી જૂદી છે.