વિસાવદર પાસેના ગીર પંથકમાં દીપડા આદમખોર બની રહ્યા હોય તેમ છાશવારે લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. તાલુકાના કાકચિયાળા ગામમાં સોમવારે મોડી રાતે એક દીપડાએ મહિલાનો શિકાર કરીને તેને ફાડી ખાધી હતી. જેના પગલે પંથકમાં ફફડાટ ફેલાયો છે. આદમખોર દીપડાને તુરંત પકડી લેવા માગ ઉઠી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે ગીર જંગલની પાસે આવેલા વિસાવદરનાં કાકચીયાળા ગામમાં દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. નળીયાવાળા ખોરડા ઠેકીને દીપડો એક ફળીયાવાળા ઘરમાં ઘૂસી ગયો હોવાની વાત મળી રહી છે. આ ઘરમાં ખાટલા પર સૂતેલી શારદાબેન સમજુભાઇ વાવૈયા (ઉ. ૫૫)ને દૂર દીપડો ખેંચી ગયો હતો. બાદમાં તેમને ફાડી ખાધા હતા. બાદમાં આ મહિલાની લાશ ઘરની નજીકથી મળી આવી હતી.
દીપડાના હુમલામાં મૃત્યુ પામનારા શારદાબેનના પતિનું અવસાન થઇ ગયું હોવાથી વિધવા જીવન વ્યતિત કરતા હતા. તેમના બંને દીકરા સુરત રહે છે જ્યારે દીકરી સાસરે વળાવેલી છે. આમ શારદાબેન એકલવાયું જીવન વ્યતિત કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પંથકમાં છેલ્લા દોઢ મહિનામાં દીપડાનાં હુમલામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે. દીપડા માણસો પર હુમલા કરતા હોવાના બનાવો વધી રહ્યા હોવાથી આદમખોર દીપડાને જલ્દી પકડી પાડવાની માગણી લોકોમાં ઉઠવા પામી છે. ગામ નજીક દીપડાના આંટાફેરાના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ ગરમી આકરી પડી રહી છે ત્યારે લોકો હવે ફળિયામાં ખુલ્લામાં સુતા પણ ડરી રહ્યા છે.