સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઇંગ ગેલેરી પર જવાની બે પૈકી એક લીફટ ત્રણ કલાક સુધી બંધ રહેતા પ્રવાસીઓએ પોતાના પૈસા રીફંડ માગી હોબાળો મચાવ્યો હતો. દરમિયાન કર્મચારીઓ ભાગી જતાં પોલીસ સાથે પ્રવાસીઓને માથાકુટ થઇ હતી. બાદ પોલીસે પ્રવાસીઓને સમજાવતા મામલો થાળે પડયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનીટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડયા છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનીટીના લોકાર્પણના એક મહિના બાદ પણ મેનેજમેન્ટના અભાવે પ્રવાસીઓને હજુ પણ ઘણી તકલીફો વેઠવી પડે છે.
રવિવારે ૨જી ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા 11043 પ્રવાસીઓ ઉમટી પડયા હતા. દરમિયાન આ પ્રવાસીઓનો એક લોટ 11 કલાકે વ્યુઇંગ ગેલેરી પર જવા લીફટ પાસે ગયા હતા. ત્યારે એ લીફટ ખોટકાઇ હતી. દરમિયાન લીફ્ટમાં બેસવા માટે પ્રવાસીઓનો ધસારો વધી ગયો હતા. 11 વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી સતત પ્રવાસીઓ ત્યાં ઉભા રહેવા છતાં એ લિફટ ચાલુ ન થતાં પ્રવાસીઓ અકળાયા હતા. પ્રવાસીઓએ હોબાળો મચાવી પોતે લીધેલી ટીકીટના પૈસા રિફંડ લેવા જીદ પકડી હતી. જેથી મામલો વધુ ઉગ્ર બનતા સ્ટેચ્યુ ઓફ યુનીટી પર ફરજ બજાવતા કર્મચારીઓ ત્યાંથી રીતસરના ભાગી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ત્યાં હાજર પોલીસ જવાનોએ બાજી સંભાળી લીધી હતી અને પ્રવાસીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન પ્રવાસીઓ અને પોલીસ વચ્ચે થોડુ ઘર્ષણ પણ થયું હતું. અંતે પ્રવાસીઓ સમજી ગયા હતા, બીજી લીફટ ચાલુ હતી એમા અમુક પ્રવાસીઓ વ્યુઇંગ ગેલેરી સુધી ગયા હતાં.