દેશના રિચેસ્ટ બિઝનેસમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લાં એક વર્ષ દરમિયાન દરરોજ રૂ.300 કરોડનો ઉમેરો થયો છે. બર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2018માં આ વાતનો ખુલાસો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 3 લાખ 71 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં સતત સાતમાં વર્ષે પહેલાં સ્થાને રહ્યાં છે.
આ ઉપરાંત સૌથી ધ્યાનાકર્ષક છે કે, આ યાદીમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલા અનુક્રમે એસપી હિન્દુજા એન્ડ ફેમિલી, એલએન મિત્તલ એન્ડ ફેમિલી અને અઝિમ પ્રેમજીની સંપત્તિના કુલ સરવાળા કરતાં મુકેશ અંબાણીની સંપત્તિ વધારે થાય છે.
આ સિવાય જણાવવાનું કે, બર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2018એ બહાર પાડેલા લિસ્ટમાં ગુજરાતના કેટલાંક રિચેસ્ટ બિઝનેસમેનનાં નામોનો સમાવેશ કરાયો છે. પ્રથમ વખત ગુજરાતના અમીરોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- ગૌતમ અદાણી 71 હજાર 200 કરોડ
- કેડિલાના પંકજ પટેલ 32 હજાર 100 કરોડ
- AIA એન્જીનિયરીંગના ભદ્રેશ શહ રૂ.9700 કરોડ
- નિરમાના કરસનભાઈ પટેલ રૂ. 9600 કરોડ
- ટોરેન્ટ ફાર્મા.ના સમીર મહેતા રૂ.8300 કરોડ
- ટોરેન્ટના સુધીર મહેતા 8300 કરોડ
- નિરમાના રાકેશ પટેલ રૂ.5900 કરોડ
- એસ્ટ્રાલ પોલી ટેક્નિક સંદીપ પ્રવીણભાઈ રૂ.5300 કરોડ
- અરવિંદના સંજય લાલભાઈ રૂ.4900 કરોડ
- સિમ્પફનીના અચલ બકેરી રૂ.4800 કરોડ
આ સિવાય દેશના અન્ય બિઝનેસમેન્સ જો વાત કરવામાં આવે તો યાદીમાં સમાવિષ્ટ મુકેશ અંબાણી પછીના આ ધનાઢ્યોની સંપત્તિ અનુક્રમે રૂ. 1,59,000 કરોડ, રૂ. 1,14,500 કરોડ અને રૂ. 96,100 કરોડ છે. બર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ભારતના એ ધનવાન વ્યક્તિઓની યાદી છે જેમની નેટવર્થ રૂ.1000 કરોડ કે તેથી વધારે હોય છે. વર્ષ 2018ની યાદીમાં આવા ધનાઢ્યોની સંખ્યામાં પાછલાં વર્ષની સરખામણીએ લગભગ એક તૃત્યાંશ જેટલો વધારો થયો છે. વર્ષ 2017ની યાદીમાં 617 ધનપતિઓ હતા જેમની સંખ્યા વર્ષ 2018માં વધીને 831 થઇ ગઇ છે. સન ફાર્માના દિલીપ સંઘવી આ યાદીમાં પાંચમાં સ્થાને છે. પાછલાં વર્ષે તેઓ ત્રીજા સ્થાને હતા.