કોરોના વાયરસ સામે જંગ લડવા માટે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આજે રાતે 12 વાગ્યાથી લોકડાઉન જાહેર કરાયું છે. જે 31 માર્ચ સુધી રહેશે. ઉત્તર પ્રદેશમાં પણ 16 જિલ્લામાં 23 માર્ચથી લોકડાઉન જાહેર કરાયેલું છે.
જો કે, જનતા હાલમાં પણ આ જાહેરાતની કડકાઈથી પાલન કરતા નથી. ત્યારે આવા સમયે પોલીસે કડક હાથે કામ લેવું પડશે. આવી જ રીતે ગાઝિયાબાદમાં પણ લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 70 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તથા 200 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ પણ લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કડકહાથે કામ કરવાનો આદેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, લોકડાઉનને હાલમાં પણ લોકો ગંભીરતાથી લેતા નથી. મહેરબાની કરી તમે તમારી જાતને બચાવો, પોતાના પરિવારને બચાવો. આદેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારી અપીલ છે કે, નિયમો અને કાયદાઓનું કડકાઈથી પાલન કરાવો.