લોકસભા ચૂંટણી 2019માં રાજ્યમાં અતાયાર સુધીનું સૌથી વધુ મતદાન થયું છે. 2019માં રાજ્યમાં સરેરાશ 64 ટકા જેટલું મતદાન થયું છે. 2014ની સરખામણીએ 0.5 ટકા જેટલું મતદાન વધ્યું છે. જોકે શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં મતદાનમાં વધારો થયો છે. ઠાકોર સમાજ પ્રભાવિત બેઠકો પર મતદાન વધ્યું છે..જ્યારે પાટીદાર સમાજ પ્રભાવિત બેઠકોમાં મતદાનમાં ઘટાડો જોવા મળ્યો છે. પાટીદાર મત નિર્ણાયક હોય તેવી 18 બેઠક પર મતદાનમાં ઘટાડો થયો છે. જેમાં મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર, અમરેલીના લાઠીમાં મતદાનમાં ઘટાડો થયો છે. જ્યારે ઊંઝા બેઠક પર આ વખતે મતદાનમાં 4.35 ટકાનો વધારો જોવા મળ્યો છે.. તો આણંદ લોકસભા બેઠક પર 4.51 ટકા મતદાન વધ્યું છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યોના વિસ્તારોમાં પણ વોટિંગ ઘટ્યું છે.
ગુજરાતમાં 23 એપ્રિલે થયેલા મતદાને છેલ્લાં 52 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. આ વખતે 64.11 ટકા વોટિંગ થયું જ્યારે આ પહેલાં 1967માં થયેલી ચૂંટણીમાં 63.77 ટકા વોટિંગ થયું હતું. ત્યાં સુધી કે 2014માં નરેન્દ્ર મોદી લહેરમાં પણ 63.6 ટકા જ મતદાન થયું હતું. ચૂંટણી પંચે બુધવારે આંકડા જાહેર કરતા જણાવ્યું કે 23 એપ્રિલે 4.51 કરોડ મતદારોએ પોતાનો મતાધિકારનો પ્રયોગ કર્યો. ઉલ્લેખનીય છે કે પ્રથમ ચરણમાં 11 એપ્રિલે 91 સીટો પર આશરે 60 ટકા વોટિંગ થયું હતું. બીજા ચરણમાં 95 સીટો પર આશરે 68 ટકા મતદાન થયું હતું જ્યારે ત્રીજા ચરણમાં 116 સીટો પર 65 ટકા વોટિંગ થયું હતું.