હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનાં કારણે આજે રાજ્યનાં કેટલાંક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ વરસતા ચારેબાજુ ઠંડક પ્રસરાઇ ગઇ હતી. રાજ્યમાં અમદાવાદ, દ્વારકા અને કચ્છનાં લખપત, નખત્રાણા સહિતના તાલુકામાં હળવો કમોસમી વરસાદ પડ્યો હતો.
અમદાવાદની જો વાત કરીએ તો શહેરમાં સાયન્સ સિટી, બોપલ, એસ.જી હાઇવે, વૈષ્ણોદેવી, અને નારણપુરા, રાણીપ તેમજ વાડજ, નિકોલ સહિતનાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને સાઇડનાં વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે લો-પ્રેશરની સ્થિતિ સર્જાતાં 5 માર્ચે અને 6 માર્ચે એટલે કે આજે રાજ્યનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે તે આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતનાં મહેસાણા, સૌરાષ્ટ્રનાં દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. અમદાવાદમાં પણ ગઇકાલે સાંજથી ઠંડા પવનો શરૂ થઇ ગયા હતા. આજે પણ સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.