ગુજરાતમાં લોકરક્ષક દળની (LRD) ભરતી પ્રક્રિયા ફરી એક વખત વિવાદમાં આવી છે. મહિલા ઉમેદવારોની માંગ સંતોષાયા બાદ હવે પુરૂષ ઉમેદવારો પણ પુરૂષોની સંખ્યા વધારવાની માંગ સાથે ગાંધીનગર પહોચ્યા હતા. જોકે, પુરૂષ ઉમેદવારોને આંદોલનની મંજૂરી ના મળતા તેમણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવાસસ્થાને જઇને રજૂઆત કરી હતી.
LRD ભરતીમાં થયેલા વિવાદ પછી 1-8-2018ના પરિપત્રને રદ કરવા માટે બેઠેલી એસસી,એસટી, ઓબીસી મહિલા ઉમેદવારોની સરકાર સામે 65 દિવસના ઉપવાસ કર્યા બાદ તેમની માંગ સંતોષવામાં આવી હતી. મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો કરાયા બાદ તેમણે આંદોલન પૂર્ણ કર્યુ હતુ પરંતુ આ વિવાદ ત્યા શમ્યો નહતો અને પુરૂષ ઉમેદવારોએ પણ પુરૂષોની સંખ્યા વધારવા સરકાર સામે માંગણી કરી છે. જેમાં ગાંધીનગર ખાતે પુરૂષ ઉમેદવારોને આંદોલનની મંજૂરી ના મળતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવાસસ્થાને પહોચી રજૂઆત કરી છે. પુરૂષ ઉમેદવારોની માંગ છે કે તેમની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે.