ગુજરાત માટે રાહત સાથે આનંદના સમાચાર છે. ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં આગામી ૨૫ જૂને ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ ૨૫.૧૦ ઈંચ વરસાદ પડયો હતો.

‘વાયુ’ વાવાઝોડું સક્રિય થયું ત્યારથી જ એવી ચિંતા પ્રવર્તી રહી હતી કે આ સિસ્ટમને પગલે ગુજરાતમાં ચોમાસું મોડું બેસી શકે છે. પરંતુ વાયુ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાવવાને સ્થાને અરબી સમુદ્રમાં જ સમાઇ ગયું છે અને જેના કારણે વરસાદની કોઇ સિસ્ટમ ખોરવાઇ નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘દક્ષિણપશ્ચિમ ચોમાસાએ કોંકણ અને ગોવા તરફ ગતિ કરી છે. જેના પગલે દક્ષિણ ગુજરાતમાં આગામી ૨૪ જૂને વિધિવત્ રીતે ચોમાસું બેસી શકે છે. ‘ ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું બેસતું હોય છે. પરંતુ આ વખતે વાયુ વાવાઝોડાને કારણે દક્ષિણપશ્ચિમ ચોમાસું છેલ્લા ૧૨ વર્ષમાં સૌથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.

હાલ દક્ષિણપશ્ચિમ ચોમાસાએ દેશના ૧૦-૧૫ % હિસ્સામાં જ પ્રવેશ કર્યો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં દેશના બે-તૃતિંયાશ હિસ્સામાં ચોમાસાનું આગમન થઇ જતું હોય છે. કેરળમાં સામાન્ય કરતાં ૭ દિવસ મોડું ૮ જૂનના ચોમાસું બેઠું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આગામી ૨૫-૨૬ જૂનના ભારે વરસાદ પડી શકે છે. ‘

અમદાવાદમાં આજે સરેરાશ મહતમ તાપમાન ૩૬.૪ ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીની આસપાસ રહેશે.