અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ઉદભવેલાં વાયુ વાવાઝોડાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે જેના કારણે વાવાઝોડાની ગતિમાં વધારો થયો છે જેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે નુકશાન થવાની દહેશત સવાઇ રહી છે. ઝીરો ટોલરન્સ- ઝીરો કેજ્યુલિટીના નિર્ધાર સાથે રાજ્ય સરકાર સજ્જ બની છે.

ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમમાં જઇને સ્થિતીની સમિક્ષા કરી હતી. આ ઉપરાંત અધિકારીઓ સાથે પણ બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની સ્થિતી પર નજર રાખી રજેરજની માહિતી મેળવી રહ્યાં છે.

વાયુ વાવાઝોડુ પૂરઝડપે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહ્યુ છે. વાવાઝોડાની ગતિમાં વધારો થતાં સરકારે સતર્કતા દાખવી દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તાર પર ચાંપતી નજર રાખી લોકોનુ સ્થળાંતર કરાવ્યુ છે. બુધવારની મોડી રાત્રે અઢી વાગે વાયુ વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશે તેવી સંભાવના છે. વાવાઝોડાની ગતિ ૧૫૦થી માંડીને ૧૬૫ કીમીની ઝડપ હોવાથી વિનાશ વેતરે તેવી શક્યતા જોવાઇ રહી છે.આ જોતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકોને સ્થળાંતરમાં સહકાર આપવા અને સલામત સ્થળે જવા અપીલ કરી છે.

સંભવિત વાવાઝોડાનો સામનો કરવા એનડીઆરએફની ૪૭ ટીમો ગુજરાતમાં ખડેપગે છે. સ્થિતીની ગંભીરને જોતાં બિહાર અને ચેન્નાઇથી વધારાની ૧૨ ટીમો વાયુસેનાના વિમાન મારફતે ગુજરાત આવી પહોંચી છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી ,તલાલા , જામનગર ,ભાવનગર, દીવ અન દ્વારકામા એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની સુચનાથી લશ્કરની ૨૩ ટીમોને સ્ટેન્ડ બાય રખાઇ છે. સૂચના મળતાં આ ટીમો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી જશે. એરફોર્સની મદદ લેવા નક્કી કરાયુ છે. ૩૦૦ મરીન કમાન્ડો પણ સ્થિતીને પહોંચી વળવા તૈયાર છે.