અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણાં ભાગોમાં શિયાળામાં આજથી (30 નવેમ્બર) બીજી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર્, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.
30 નવેમ્બરે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે. આ દરમિયા ઝડપથી પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તેમજ અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને અને દીવમાં કમોસમી વરસાદ થશે
એક ડિસેમ્બરે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે.
બે ડિસેમ્બરે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે જ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.