કોરોના ની મહામારી વચ્ચે ગુજરાત ના નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને કેવડિયા ની આજુબાજુ ના 6 ગામ ના લોકો એ જમીન અને ફેંસીંગ મુદ્દે આંદોલન છેડી દેતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક પોલીસ અને ગ્રામજનો વચ્ચે આજે ઘર્ષણ થયુ હતું. ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરતા પોલીસે 20 મહિલાઓની અટકાયત કરી હતી. પોલીસ સાથેના ઘર્ષણમાં એક મહિલાની તબીયત લથડતા સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસન સત્તા દ્વારા પોલીસ ને સાથે રાખીને કેવડિયા ગામના હેલિપેડ ફળીયા પાસે ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે. જેની સામે લોકોએ આંદોલન છેડ્યું છે. ગ્રામજનો કોઇ પણ ભોગે જમીનો આપવા માંગતા નથી અને તંત્ર દ્વારા જમીનોમાં ફેન્સિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના 6 ગામના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. દરમ્યાન આ ઘટના માં
આદિવાસી નેતા અને MLA છોટુ વસાવાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર કેવડિયા આસપાસના 14 ગામના આદિવાસીઓનો અવાજ દબાવી રહી છે,એટલે લોકો ને વિરોધ કરવા જણાવતા મામલો ગરમાયો છે.
કેવડિયામાં ફેન્સિંગ કામગીરી દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ બાદ પોલીસ દ્વારા કેટલીક મહિલાઓની અટકાયત કરાઇ હતી. દરમિયાનમહિલાઓને રાજપીપળાના જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લવાઈ હતી, જે પૈકી શારદા નરેન્દ્ર તડવી નામની એક મહિલાની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.
