ગુજરાતમાં વધતા જતાં શહેરીકરણ અને શહેરી સુવિધાઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને મોબીલિટી લેંડ અર્બન ડેવલપમેન્ટ પર સેમિનારનું આયોજન વાયબ્રન્ટ સમિટમાં કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે સેમિનાર અને લેક્ચર સિરીઝ પણ યોજાશે.
શહેરી વિકાસના અગ્ર સચિવ મુકેશ પુરીએ આ અંગે માહિતી આપતાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સેમિનાર દ્વારા શહેરોના ઝડપથી વધી રહેલા વિકાસની સાથે સાથે તેમાં ઉદ્ભવતી સમસ્યાને દુર કરવા અને પડકારોનો સામનો કરવા તેમજ ઝડપી ઉકેલ માટે તજજ્ઞો સાથે સંવાદ કરવામાં આવશે.
શહેરોમાં સ્વચ્છતા અને વધુ સુવિધામય બનાવવાની દિશામાં પણ પગલાં ભરવા સમૂહ ચિંતન કરવામાં આવશે. અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અને શહેરીકરણની સાથે વધતી જતી પાર્કિગ અને ટ્રાફીકની સમસ્યાના ઉકેલ માટે પણ ચિંતન કરવામાં આવશે. વ્હીકલ શેરીંગ, ઇલેક્ટ્રીકલ વ્હીકલ દ્વારા ઇકો ફ્રેન્ડલી પ્રયાસ કરવાની દિશામાં પણ આયોજન કરવામાં આવી શકે છે.
મોબીલિટી લેન્ડ અર્બન ડેવલપમેન્ટ સેમિનારમાં ખાસ કરીને પરિવહનની સુવિધાનો વ્યાપ વધારવા અને જમીન ઉપયોગ અને ગૃહ નિર્માણ દ્વારા નાગરિકોને ઉત્તમ સેવા પુરી પાડવા ગ્રાઉન્ડ લેવલ પ્લાનિંગ અને અમલીકરણ પર ભાર મુકવામાં આવશે. આ સેમિનારમાં ગૃહ અને શહેરી વિભાગના કેન્દ્રીય પ્રધાન હરદીપસિંઘ પુરી અને સચીવ દુર્ગા શંકર મિશ્રા પણ ઉપસ્થિત રહેશે.